Mysamachar.in:જામનગર:
આમ તો સમગ્ર ગુજરાતમાં રેતમાફિયાઓ અને ખાણમાફિયાઓ પોતાના ગેરકાયદેસર ધંધામાં, સરકારી તંત્રોની મીઠી નજર અથવા આંખ આડા કાન અથવા સામેલગીરીને કારણે, અલમસ્ત છે. થોડાં થોડાં સમયે આવા તત્વો વિરુદ્ધ રજૂઆતો થતી રહે છે બીજી તરફ હકીકત એ હોય છે કે, આ પ્રકારના ધંધાઓ બંધ કરવા કોઈને પણ પોસાય નહીં !!
જામનગર જિલ્લાનું જોડિયા આ પ્રકારનો વિસ્તાર છે. આ પંથકમાં રેતીચોરી, દાયકાઓથી ધમધમી રહી છે. રાતદિવસ ઓવરલોડ ટ્રકસ બધાં જ તંત્રોના નાક નીચે દોડતાં રહે છે, થોડા થોડા સમયે ખાણખનિજ વિભાગ, સ્થાનિક મામલતદાર તંત્ર અને પોલીસતંત્ર પોતાના હાથે પોતાની પીઠ થાબડતાં ‘સબ સલામત’ ની વાતો કરતાં રહે છે અને બીજી તરફ રજૂઆતો પણ થતી રહે છે !!
જામનગર BJPના પૂર્વ મહિલા કોર્પોરેટર હુસેના સંઘારએ કલેક્ટર સહિતના સૌ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ જોડિયા પંથકની રેતચોરી મુદ્દે વધુ એક વખત રજૂઆત કરી છે. તેઓએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, આ પંથકમાં રેતીચોરી બંધ કરાવવી જોઈએ અને કસૂરવારો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીઓ થવી જોઈએ.
આ રજૂઆતમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, જોડિયા તાલુકાના આણંદા ગામની ઉંડ નદીના કાંઠે રેતીચોરી થઈ રહી છે. આ રેતીની ઓવરલોડ ટ્રકસ આ પંથકમાં જોખમી રીતે અવરજવર કરતી જોવા મળે છે. રેતીનું ખોદકામ રાતદિવસ ચાલુ હોય છે. આ પ્રકારની ટ્રકસ ખેડૂતોના ખેતરોમાંથી પણ પસાર થાય છે. આ મુદ્દે ગ્રામજનોએ ફરિયાદો પણ કરી છે. આમ છતાં રેતમાફિયાઓ પર કૃપાઓ વરસતી રહે છે અને બધું જ ધમધોકાર ચાલતું રહે છે, એમ આ રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવાયું છે. ખાણખનિજ સહિતના વિભાગોની જો સાન ઠેકાણે લાવવામાં આવશે નહીં તો, આ વિસ્તારના ગ્રામજનો આંદોલન પણ કરશે એવી ચીમકી આ રજૂઆતમાં આપવામાં આવી છે.