Mysamachar.in-નવસારી:
આજના સમયમાં ઉગીને ઉભા થઇ રહેલા બાળકોને પણ હાથમાં સ્માર્ટ ફોન જોઈએ છે, અને માતાપિતા પણ બાળકોની જીદને વશ થઈને બાળવયે જ આવા શોખ પુરા કરે છે, પણ ક્યાંક ને ક્યાંક મોબાઈલ હાથમાં આવ્યા બાદ કેટલાક કિસ્સાઓમાં વિવિધ એપના માધ્યમથી એકબીજા સાથે સંપર્કો કેળવી અને યુવક યુવતીઓ ભાન ભૂલી જતા હોય છે, અને એકબીજાથી થયેલા આકર્ષણને પ્રેમ સમજી બેસી ના કરવાની ભૂલો કરી બેસ્રતા આવા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે, આવો જ એક ચોકાવનારો કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે,
નવસારીમાં રહેતી સગીરાને સોશિયલ મીડિયા પર સુરતના યુવાન સાથે મિત્રતા થઈ હતી. 5 મહિનામાં જ એકબીજાને દિલ આપી દેતા લગ્ન કરવાના ઈરાદે આ સગીરાને યુવાન ભગાડી ગયો હતો. આ અંગે નવસારી ટાઉન પોલીસ મથકે સગીરાની માતાએ ફરિયાદ આપતા પોલીસે 5 દિવસમાં સગીરા અને યુવાનને શોધી કાઢ્યા હતા. પોલીસે યુવાન વિરૂદ્ધ સગીરાનું અપહરણ કરી શારીરિક સબંધ બાંધ્યા હોય પોક્સો હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો,
નવસારીમાં રહેતી એક મહિલાના પતિનાં અવસાન બાદ ત્રણ સંતાનો સાથે રહી નોકરી કરી રહી છે. તેમની મોટી પુત્રી અન્ય પંથકમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હોય લોકડાઉનમાં ઘરે આવી હતી. જેને શાળાનું લેશન અને ઓનલાઈન અભ્યાસ માટે સ્માર્ટ ફોન ખરીદી આપ્યો હતો. જેની મદદથી આ સગીરા અભ્યાસ કરતી હતી. ઘરે કોઈ ન હોય ત્યારે સગીરા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હતી. સોશિયલ મિડીયામાં મજૂરીકામ કરતા સુરતનાં દર્શન ઉર્ફે કપિલ રાઠોડ સાથે મિત્રતા થઈ હતી. ઓગસ્ટથી શરૂ થયેલી આ મિત્રતા એકબીજાનાં ફોન નંબરની આપ-લે કરી હતી.
જયારે ઘરે કોઈ ન હોય ત્યારે બંને ફોન પર વાતચીત કરતા હતા. આ બાબતે એકવાર સગીરાની માતાને જાણ થઇ હતી પણ ત્યારે સગીરાએ માફી માંગી લેતા આ મામલો પૂર્ણ થયાનું તેની માતાએ માન્યું હતું. 20મી ડિસેમ્બરે આ સગીરા બપોરના સમયે કોઈને પણ કહ્યા વગર ઘરેથી ચાલી ગઈ હતી અને સાંજે ઘરે ન આવતા તેણીની શોધખોળ કરવા છતાં મળી આવી ન હતી. આ બાબતે ટાઉન પોલીસ મથકે મીનાબેને પુત્રી ગુમ થયાની જાણ કરતા પીઆઈ એચ.આર.વાઘેલા તપાસ કરી રહ્યા છે.
યુવતી ગુમ થઇ તે દિવસે તેના મોબાઈલ પર આવેલા ફોન નંબરને આધારે પોલીસે તપાસ કરી હતી. યુવાનનો મોબાઈલ નંબર ટ્રેસ કરતા તેનું સરનામું મળ્યું હતું. યુવાનન સુરતના ઘરે ન હોય ત્યાંથી મળેલી માહિતીના આધારે જલાલપોરનાં એક ગામમાં યુવાનના માસાના ઘરે રોકાયેલા હોય તેમની ઘરે તપાસ કરતા યુવાન અને સગીરા મળી આવ્યા હતા. તેમાં યુવાને સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાની કબૂલાત કરતા યુવાનની પોક્સો એક્ટ હેઠળ અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને કોર્ટ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. આમ આ કિસ્સો આજના સમયમાં દરેક વાલીઓ જે પોતાના સંતાનોને સ્માર્ટફોન તો વસાવી આપે છે પણ તેના પર નજર નથી રાખતા તે તમામ માટે લાલબતી સમાન છે.