mysamachar.in-ખંભાળિયા:
એસટી બસમાં ભલે સ્લોગન એવા લખવામાં આવે કે એસટીની મુસાફરી સુરક્ષિત છે પણ તે દાવાઓની પોલ રાજ્યમા એસટી બસો ના થતા ગંભીર અકસ્માત અવારનવાર ખોલી નાખે છે એવામા આજે વધુ એક ગંભીર અકસ્માત ભાણવડ નજીક થતા 30 થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે,
આ અકસ્માતના બનાવની મળતી વિગત પ્રમાણે આજે વહેલી સવારે ૬ વાગ્યે સલાયાથી સલાયા-જુનાગઢ રૂટની એસ.ટી.બસ પેસેન્જરો સાથે ઉપડી હતી અને ૭ વાગ્યાને આસપાસ ખંભાળિયા નજીક પોરબંદર રોડ પર ભાણવડ ચોકડી પાસે બસ એકાએક પલ્ટી મારી જતા ભારે દેકારો બોલી ગયો હતો અને બસ પલ્ટી મારતા સમયે ડીઝલની ટાંકીનું ઢાકણું ખૂલી જતા ડીઝલના ફુવારાથી પેસેન્જરો રેલમછેલ થઈ ગયા હતા.
સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થતાં સહેજ ટળી હતી.દરમ્યાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ઓછા સ્ટાફના કારણે ઘાયલ મુસાફરોને જામનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આમ આ બનાવમાં બસ ડ્રાઇવરની બેફિકરાઈથી અકસ્માત સર્જાયો હોવાની પેસેન્જરોમાં બૂમરાડ ઉઠી હતી.