Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર ગુજરાતમાં ભાજપા માટે રાજકોટ લોકસભા અને વિધાનસભા બેઠકો વિશેષ મહત્વ ધરાવે છે. આ શહેર જિલ્લાની બેઠકોએ હાલના વડાપ્રધાન સહિતના ઘણાં નેતાઓ આપ્યા છે. અને યોગાનુયોગ આ લોકસભા ચૂંટણીઓમાં પણ મોદી-શાહની ભાજપાએ રાજકોટ બેઠક પર સૌ સ્થાનિક દાવેદારોને બાજુ પર મૂકી, આયાતી ઉમેદવાર તરીકે પાટીદાર સમાજના વજનદાર નેતા અને કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાને પેરેશૂટ ઉમેદવાર તરીકે મૂકતાં પક્ષમાં આમેય ધૂંધવાટ હતો ત્યાં વળી રૂપાલા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાહેરમાં એક કોમેન્ટ કરી બરાબર ફસાયા હોય, હવે ભાજપા માટે આ મહત્વની બેઠક જ માથાનો દુ:ખાવો બની ગઈ છે.
રૂપાલા પ્રકરણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હોટ બન્યું છે. કારણ કે, ક્ષત્રિય સમાજ રૂપાલાની વિવાદીત કોમેન્ટને ભૂલવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજ કોઈ પણ ભોગે રૂપાલાને રાજકોટમાંથી હાંકી કાઢવા ઈચ્છે છે અને આ મુદે ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા રાજી નથી. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ પણ આ મામલે હાથ જોડવા છતાં સફળ રહ્યા નથી અને ભાજપાના સિનિયર ક્ષત્રિય નેતાઓને પણ તેઓના સમાજે સ્પષ્ટ સુણાવી દીધું છે કે, રૂપાલા મામલે કોઈ જ સમાધાન નહીં. રૂપાલાએ રાજકોટ ભૂલી જવું પડશે. અને, તમારાં હાઈકમાન્ડને પણ ક્ષત્રિય સમાજનો સંદેશ પહોંચાડી દેજો.
ક્ષત્રિય સમાજ વિષે જાહેરમાં કોમેન્ટ કર્યા બાદના આટલાં દિવસોમાં ખુદ રૂપાલા બે વખત જાહેરમાં માફી માંગી ચૂક્યા છે, ખુદ સી.આર.પાટીલે પણ જાહેરમાં ક્ષત્રિયો સામે બે હાથ જોડી લીધાં છે. અને, હવે ખમૈયા કરો બાપુ એ મતલબની માફી પણ માંગી લીધી છે પરંતુ રાજહઠ વધુ એક વખત શક્તિશાળી સાબિત થઈ છે. રૂપાલા પ્રકરણ ઠારવા ગુજરાત ભાજપાએ મોદી-શાહનું શરણું લેતાં અગાઉ છેલ્લા ઉપાય તરીકે બુધવારે ભાજપાના તમામ સિનિયર ક્ષત્રિય નેતાઓને મેદાનમાં દોડાવ્યા અને ક્ષત્રિયોનો રોષ શાંત પાડવા વધુ એક દાવ ખેલ્યો પરંતુ આમ છતાં ક્ષત્રિય સમાજને રીઝવી શકાયો નથી.
બુધવારે ક્ષત્રિય સમાજના રાજ્ય કક્ષાના આગેવાનો અને ભાજપાના ક્ષત્રિય નેતાઓ વચ્ચે બેઠક થઈ પણ તે બેઠક નિષ્ફળ રહી. રૂપાલાની રાજકોટ ટિકિટ રદ્દ કરવા મામલે ક્ષત્રિય સમાજ મક્કમ જ રહ્યો. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. બુધવારની નિષ્ફળ બેઠક બાદ ભાજપાના ક્ષત્રિય નેતાઓએ અમદાવાદમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જાહેર કરવામાં આવ્યું કે, અમે રાજપૂત સમાજની કમિટી સમક્ષ વાત કરી છે, રૂપાલાએ બે વખત માફી માંગી છે, સમાચારોમાં પણ આ માફી પ્રસિદ્ધ થઈ ગઈ છે. તેથી અમોએ ક્ષત્રિય સમાજને મોટું મન રાખી માફ કરવા અનુરોધ પણ કર્યો. પરંતુ રાજપૂત સમાજે કહ્યું છે કે, રૂપાલાને રાજકોટથી ખસેડી લો, એ સિવાય અમોને કાંઈ મંજૂર નથી. અને ભાજપાના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આ ક્ષત્રિય નેતાઓએ એમ પણ કહ્યું કે, હવે પાર્ટી નિર્ણય લેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, એક તરફ ગુજરાતમાં રૂપાલા મુદે ભાજપા ક્ષત્રિય સમાજ સાથે બેઠકો કરે છે અને બીજી તરફ દિલ્હીથી કોઈના પણ નામ વિના એવા અહેવાલો વહેતાં કરવામાં આવી રહ્યા છે કે, રૂપાલાની રાજકોટ ઉમેદવારી કોઈ પણ સંજોગોમાં રદ્દ કરવામાં નહીં આવે. અને, એ પણ હકીકત છે કે, ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રૂપાલા મામલે મક્કમ છે. ક્ષત્રિય સમાજે ભાજપાના દિલ્હી ઈકમાન્ડને પણ આ મામલે સ્પષ્ટ સંકેતો પહોંચાડી દીધાં છે કે, તલવાર મ્યાન નહીં થાય.
બુધવારની આ બેઠક બાદ, અમદાવાદમાં રાજપૂત સમાજના આગેવાનોએ પણ પત્રકારો સમક્ષ પોતાની વાત રજૂ કરેલી. તેઓએ કહ્યું છે કે, રૂપાલાના બદલાવ સિવાય અમને કંઈ નહીં ચાલે. ફકત ગુજરાતનો નહીં સમગ્ર ભારતનો ક્ષત્રિય સમાજ રૂપાલાને નહીં સ્વીકારે. ભાજપ ઉમેદવાર બદલે એનાથી ઓછું અમને નહીં ચાલે. બોલવામાં જે નૈતિક અધ:પતન થયું છે એ અમને સ્વીકૃત નથી. આઝાદી પહેલાંના અને આઝાદી સમયના બલિદાનનું અપમાન સ્વીકાર્ય નથી.અમે ભાજપાના ક્ષત્રિય નેતાઓ સાથે શાંતિથી વાતચીત કરી છે, પરંતુ અમારી માંગણી સ્પષ્ટ છે.
દરમિયાન રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પત્રકારો સમક્ષ કહ્યું: ભાજપાના ક્ષત્રિય નેતાઓ સાથે રાજપૂત સમાજના સાત આગેવાનોની બેઠક હતી. લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા હોય છે. ગુજરાત સરકાર અને ભાજપા તરફથી તેઓ કેટલીક વાત રાજપૂત સમાજ સમક્ષ મૂકવા આવ્યા હતાં.અમે સમગ્ર ક્ષત્રિય સમાજ તરફથી એક જ વાત કરી છે કે, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાને બદલવા સિવાય કોઈ વાત નહીં થાય. પહેલાં પણ આ જ વલણ હતું, હમણાં પણ આ જ વલણ છે અને આગળ પણ આ જ રહેશે. આગળના સમયમાં દેખાવો ચાલુ રહેશે. તમારાં હાઈકમાન્ડને જણાવજો કે, ગુજરાતમાં 75 લાખ અને દેશમાં 22 કરોડ ક્ષત્રિય છે. રૂપાલા મહત્વના છે કે અન્ય, એ નક્કી કરજો. આ બેઠક છેલ્લી બેઠક હતી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારાં તરફથી યુદ્ધનું મેદાન હવે ફક્ત રાજકોટ જ નથી, બધે રહેશે. આ આંદોલન ફકત રૂપાલા સામે જ છે. જો ઉમેદવાર નહીં બદલાય તો તમામ 26 બેઠકો પર તેની અસરો થશે. અમારાં 400 જ્ઞાતિજનો રાજકોટ સહિત તમામ બેઠકો પર અપક્ષ ઉમેદવારી કરશે. આગામી સમયમાં વધુ રણનીતિ સાથે આગળ વધીશું.