Mysamachar.in-જામનગર:
રાજ્યના અન્ય શહેરોની માફક જામનગરમાં પણ તોતિંગ જમીનકૌભાંડો કોઈથી પણ અજાણ્યા નથી, હવે તબક્કો એ શરૂ થયો છે કે, આ પ્રકારના જમીનકૌભાંડ બહાર આવી રહ્યા છે અને કલેક્ટર કચેરી સમક્ષ તેની રજૂઆત શરૂ થઈ છે તથા ભૂતકાળમાં કલેક્ટર કચેરીમાં શું શું બન્યું હતું .? તેની સિલસિલાબંધ વિગતો હવે રેકર્ડ પર લેવામાં આવી છે.
આ રજૂઆતમાં કલેક્ટર કચેરીને કહેવાયું છે કે, લાખાબાવળ સહિતના પંથકોમાં જમીનોની કાયદેસરની કાર્યવાહીઓમાં ઘણુંયે ગેરકાયદેસર પણ ચાલ્યું છે અને એ માટે મોટી લાંચની લેતીદેતીઓ પણ થઈ છે, એવો ચોંકાવનારો આક્ષેપ લેખિતમાં થયો છે. રસપ્રદ મુદ્દો એ છે કે, આ વિસ્તૃત રજૂઆત સંદર્ભે તપાસ થશે કે પછી, કથિત કૌભાંડ પર રાખ વાળી દેવામાં આવશે ?!
મૂળ જામનગરના વતની અને હાલ અમદાવાદ વસવાટ કરતાં કિશોર નથવાણી નામના એક જાણકાર નાગરિકે, કલેક્ટર તથા નિવાસી અધિક કલેક્ટર સમક્ષ કરેલી આ રજૂઆતમાં જણાવ્યું છે કે, આ તમામ જમીનકૌભાંડ કથિત રીતે એક જાણીતા બિલ્ડર દ્વારા આચરવામાં આવ્યા છે જેમાં કલેક્ટર કચેરીની પણ ભૂંડી ભૂમિકાઓ રહી છે ! ભૂતકાળમાં ફરજ બજાવી ગયેલાં એક કલેક્ટર અને એક શહેર SDMના નામો પણ આ રજૂઆતમાં લખવામાં આવ્યા છે. બિનખેતી જમીનોના કામોમાં નાણાંનો પ્રભાવ હોય છે, એવું આ રજૂઆતમાં હિંમતથી લખવામાં આવ્યું છે અને સાથેસાથે ચીમકી પણ આપવામાં આવી છે કે, જો જામનગર કક્ષાએ આ કૌભાંડોની તપાસ નહીં થાય તો ગાંધીનગરમાં પણ રજૂઆત થશે, અને એ પણ આધારપુરાવાઓ સાથે.
કલેક્ટર કચેરી સમક્ષની આ રજૂઆતમાં બિલ્ડર જમનભાઈ ફળદુ અને તેના પુત્ર જસ્મીનના નામોનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કથિત કૌભાંડ જે જમીનોમાં થયા છે તે જમીનોના રેવન્યુ સર્વે નંબર પણ લખવામાં આવ્યા છે, કલેક્ટર કચેરીમાં કયારે- શું કારીગીરી, કોના દ્વારા કરવામાં આવી હતી તેની તારીખો પણ લખવામાં આવી છે.
આ રજૂઆતમાં એમ પણ સ્પષ્ટ કહેવાયું છે કે, આ બિલ્ડર પિતાપુત્ર નેતાઓના ખોળામાં આળોટે છે. અને ખોટાં સોગંદનામા પણ કલેક્ટર કચેરીના રેકર્ડમાં નોંધાયેલા છે ત્યાં સુધીની વિગતો આ રજૂઆતમાં લખવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડોને સરકાર વિરુદ્ધનું કૃત્ય અને કાવતરું પણ લેખાવવામાં આવ્યું છે. એવું પણ બન્યું છે કે, ગાંધીનગર ખાતે જે કામને લાલ ઝંડી દેખાડવામાં આવી હોય, તે કામને જામનગરમાં લીલી ઝંડી આપવામાં આવી હોય.
જામનગર પંથકના લાખાબાવળ ઉપરાંત દરેડ જીઆઈડીસી, લાલપુર રોડ પરના યુવા પાર્ક અને ચેલા ગામના રેવન્યુ સર્વે નંબરોમાં પણ આ બિલ્ડર દ્વારા ઘણાં કામો કરાવી લેવામાં આવ્યા છે અને તેમાં ભૂતકાળના કલેક્ટર કચેરીના કેટલાંક અધિકારીઓ અને જામનગર મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનરની પણ ભૂમિકાઓ રહેલી છે, એમ આ લેખિત રજૂઆતમાં અધિકારીઓના નામો સાથે જણાવાયું છે.જો કે સમગ્ર મામલો તપાસ માંગી લેતો છે અને તપાસ બાદ વધુ તથ્યો સામે આવી શકે છે.