Mysamachar.in:જામનગર
જામનગરનો વેપાર ઉદ્યોગ ખાસ કરીને બ્રાસ ઉદ્યોગ થોડાં થોડાં સમયે બોગસ બિલિંગ મામલે સમાચારો બની જાય છે ત્યારે, જામનગર જીએસટી વિભાગ આપોઆપ શંકાનાં દાયરામાં આવી જાય છે. કેમ કે, આ પ્રકારના કૌભાંડની તપાસ સામાન્ય રીતે દર વખતે જામનગર બહારનાં અધિકારીઓ દ્વારા થતી હોય છે. આ પ્રકારના વધુ એક કૌભાંડમાં જામનગર ચમક્યું છે. મૂળ કૌભાંડ રાજકોટનું છે જેમાં જામનગર અને ભાવનગર સુધી કૌભાંડના છેડા લંબાયેલા હોવાનું જાહેર થયું છે.
રાજકોટ સીજીએસટી અધિકારીઓ હાલ રૂ. 217 કરોડનાં કૌભાંડની તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે. આ તપાસ દરમિયાન રાજકોટનાં એક ધંધાર્થીની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ સિમેન્ટ, સ્ટીલ અને કોપર વ્યવસાય સાથે સંકળાયેલો છે. બ્રાસ ઉદ્યોગ માટે કોપર મહત્વની કોમોડિટી છે. આ શખ્સે ખોટી રીતે વેરાશાખ મેળવી લીધી છે ઉપરાંત અન્ય ગેરરીતિ પણ આચરી છે.
આ શખ્સ કામનાથ એન્ટરપ્રાઈઝ નામની પેઢીનું સંચાલન કરતો હતો. આ પેઢીનાં ભાગીદારોના છેડા જામનગર અને ભાવનગર સુધી લંબાયેલા છે, એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ પેઢીનો ડિજિટલ ડેટા તથા ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પણ કબજે લેવામાં આવ્યું છે. જેમાં ઘણી વિગતો હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણમાં જામનગરની જે પાર્ટીનું નામ ખાનગીમાં ચર્ચાઈ રહ્યું છે, તે પાર્ટી મેટલ સ્ક્રેપ સાથે સંકળાયેલી હોવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.