Mysamachar.in-જામનગર:
રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા રૂ. 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ થતાં હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં શિયાળાની સિઝન છતાં, કાનૂની જંગના સ્વરૂપમાં ગરમાવો વ્યાપી ગયો છે. આ મામલામાં કેટલાંક મીડીયાહાઉસ અને વ્યકિતગત નામો જાહેર કરવામાં આવ્યા છે.
રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પોતાની ફેસબુક વોલ પર એક પોસ્ટ અપલોડ કરી છે જેમાં જણાવાયું છે કે, તેમણે રૂ. 100 કરોડનો માનહાનિનો એક દાવો દાખલ કર્યો છે, તેમાં અદાલતે તાત્કાલિક કાર્યવાહીઓના ભાગરૂપે જેમના દ્વારા બદનક્ષીજનક લખાણો,નિવેદનો જાહેર કરવામાં આવ્યા છે, તે લખાણો અને નિવેદનો 48 કલાકમાં હટાવી લેવાનો આદેશ કર્યો છે.
આ પોસ્ટમાં પરિમલ નથવાણી વધુમાં જણાવે છે: સનાતન સત્ય સમાચાર (સંજય ચેતરીયા), ધ ગુજરાત રિપોર્ટ, મયૂર જાની, હિમાંશુ ભાયાણી, દીલીપ પટેલ અને બન્ની ગજેરા(ભાવિન) વિરુદ્ધ આ દાવો દાખલ કરવામાં આવ્યો છે. મારાં વિષે ખોટાં અને બદનક્ષીજનક લખાણો પ્રચારીત કરવા સંબંધે આ દાવો દાખલ કરવામાં આવ્યો છે.
ગત્ રોજ અદાલતે આ બધી વ્યક્તિઓ અને સંસ્થાઓને નોટિસ આપી છે. મને વચગાળાની રાહત આપવા માટે અદાલતે મારાં વિરુદ્ધના આ બધાં લખાણો તાકીદે હટાવી લેવા પણ સામેવાળાઓને આદેશ કર્યો છે, એમ પરિમલભાઈ નથવાણીએ વધુમાં લખ્યું છે. પરિમલ નથવાણીએ આ પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે, મારી બદનક્ષી કરતાં કોઈ પણ નિરાધાર આક્ષેપ ચલાવી લેવામાં નહીં આવે. આ લખાણો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે.



