Mysamachar.in-વડોદરા:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા 381.16 કરોડની મંજૂરી આપી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એક્તા નગરનું સમગ્ર પરિસર અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે અને મોટા પાયે ટુરીસ્ટ અહિં આવતા રહે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે સાથો સાથ સમય અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર ક્ષેત્રના ટુરીઝમ વિકાસને વેગ મળે તે હેતુથી આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ આપેલી આ મંજૂરીના પરીણામે હાઈસ્પીડ કોરીડોરના ફેઝ-1ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે 48 જંક્શન થી વુડા હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી, વુડા હદ થી ડભોઇ સુધીની લંબાઇ પૈકી બાકી રહેલ 2.5 કી.મી. લંબાઇમાં સ્ટાન્ડર્ડ ચાર માર્ગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.એટલું જ નહી, આ કામગીરીમાં બે અન્ડરપાસ અને બે એલીવેટેડ કોરીડોર પણ નિર્માણ થશે. તદનુસાર રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંક્શન ઉપર 6 માર્ગીય વ્હિકલ અન્ડરપાસ, તેમજ કેલનપુર ગામમાં અને સિનોર ચોકડી ઉપર 4 માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરીનો પણ સમાવેશ થશે.(file image)