Mysamachar.in-જામનગર:
જામનગરમાં હત્યાનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. એક રિક્ષાચાલકની હત્યા અગાઉના કોઈ મનદુઃખને કારણે નિપજાવવામાં આવી, એવું બહાર આવ્યું છે. કુલ 5 પૈકી 4 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. જામનગરમાં દિગ્જામ સર્કલ અને મહાકાળી સર્કલ વચ્ચેના આંબેડકર બ્રિજ નીચે, રેતીના ઢગલા પાસે કોઈ મૃતદેહ પડ્યો છે એવી જાણકારીઓ મળતાં DySP સહિતની પોલીસ ટૂકડી બ્રિજ નીચે પહોંચી હતી અને આ જગ્યાનું નિરીક્ષણ અને પંચનામુ કરી, મૃતદેહનો કબજો લીધો હતો. મૃતક રિક્ષાચાલક હોવાનું અને તેનું નામ કાનજી ધનજીભાઈ પરમાર (23, રહે. સિદ્ધાર્થનગર) હોવાનું જાહેર થયું છે.
આ બનાવ અનુસંધાને બહાર આવેલી વિગતો અનુસાર, મૃતકના માતા રામીબેન ધનજીભાઈ પરમારએ જૂના મનદુઃખના કારણે પોતાના પુત્રની હત્યા નિપજાવવા મામલે, આ જ વિસ્તારના હીતેન(હીરો) દેપાળ મકવાણા, પ્રકાશ (પવો) પરમાર, દિલીપ ઉર્ફે દિનેશ પરમાર, મનીયો દેવશી મકવાણા અને આશિષ રાજુ વારસાકીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
ફરિયાદમાં કહેવાયું છે કે, મૃતક કાનજી ને પોતાના વિસ્તારમાં રહેતી હીનાબેન મકવાણા નામની મહિલા અને તેના પતિ સાથે તથા તેના પુત્ર હીતેન અને હીરા સાથે કેટલાંક સમયથી માથાકૂટ ચાલતી હતી. અગાઉ ઝઘડો પણ થયો હતો. તેનું મનદુઃખ રાખી આ પાંચ આરોપીઓએ ફોન કરી, મહાકાળી સર્કલ નજીક આ મૃતકને સમાધાન માટે બોલાવ્યો હતો. બાદમાં મૃતક સાથે માથાકૂટ કરી હતી. ત્યારબાદ મૃતકનું મોટરસાયકલમાં અપહરણ કરવામાં આવ્યું હતું. મૃતકને હીનાબેન મકવાણાના ઘરે લઈ જવામાં આવ્યો હતો. અને, આરોપીઓએ કાનજી ધનજીભાઈ પરમારની હત્યા નિપજાવા પુલ નીચે ફેંકી દીધો હતો એમ કહેવાય છે. આ ફરિયાદના આધારે સિટી સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. સિટી DySP જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ પાંચ પૈકી ચાર આરોપીઓને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.