Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. આ અંગે નિષ્ફળ ગયેલી ખંભાળિયા નગરપાલિકાને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા સખત શબ્દોમાં ઝાટકણી કરી આ અંગે તાકીદે પગલા લેવામાં આવે તે માટે હુકમ કર્યો છે. ખંભાળિયા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તે રઝળતા ધણિયાતા તથા નધણિયાતા ઢોરનો ત્રાસ ઘણા સમયથી યથાવત બની રહ્યો છે. જાહેર માર્ગો પર પહેલા ઢોરના ડેરાતંબુના કારણે ખાસ કરીને વાહન ચાલકો ઉપરાંત પદયાત્રીઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આટલું જ નહીં આવા ઢોરની ઢિંકનો ભોગ અનેક લોકો બની અને ઇજાગ્રસ્ત થયાનું પણ પ્રકાશમાં આવ્યું છે.
આ પરિસ્થિતિ અંગે અહીંના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને કરાયેલી રજૂઆતો ઉપરાંત અવારનવાર પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલો પછી આ ત્રાસદાયક બાબતતે સુઓ મોટો અંતર્ગત કાર્યવાહી હાથ ધરી સી.આર.પી.સી.ની કલમ 133 સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ માટે ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગેનો કેસ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી જતાં આના અનુસંધાને વિવિધ પાસાઓને તપાસી અને આખરે ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરને લીધે પેદા થયેલી ત્રાસદાયક બાબત દૂર કરવામાં ઉદાસીન તથા બેજવાબદારી દાખવવામાં આવેલ છે.
તે બાબતને ફલિત થયાનું ગણાવી અહીંના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડી. આર. ગુરવ દ્વારા આ ત્રાસદાયક પરિસ્થિતિ દૂર કરવી અત્યંત જરૂરી ગણાવી, ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ 133 કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. આ અંગે આઈ.એ.એસ. અધિકારી ડી. આર. ગુરવ દ્વારા હુકમ કરી, તારીખ 5 ડિસેમ્બર સુધીમાં રખડતા ઢોરોને લીધે ઉપસ્થિત થયેલી આ પરિસ્થિતિ દૂર કરવા અથવા આગામી તારીખ 16 ઓક્ટોબરના રોજ અહીંની કોર્ટમાં હાજર રહી, અને આ હુકમનો શા માટે અમલ ન કરવો તે અંગેનું કારણ દર્શાવવા ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખને હુકમ કર્યો છે. શહેરના મહત્વના પ્રશ્ને પ્રાંત અધિકારીની આ કડક કાર્યવાહીએ પાલિકા તંત્રને દોડતું કરી દીધું છે.