Mysamachar.in-રાજકોટ:
યાદ કરો : આજથી 7 વર્ષ અગાઉ 2017 માં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં એક તરફ વિધાનસભા ચૂંટણીઓની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. બીજી તરફ જાહેર થયું કે, સૌરાષ્ટ્રને પ્રથમ વખત ઈન્ટરનેશનલ એરપોર્ટ મળી રહ્યું છે, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ભૌગોલિક કેન્દ્રમાં આવેલાં રાજકોટ નજીક આ ઈન્ટરનેશનલ એરપોર્ટ આકાર લેશે. આ જાહેરાત સાથે જ આખું સૌરાષ્ટ્ર-કચ્છ રાજીરાજી થઈ ગયું. બાદમાં, ચૂંટણીઓ જતી રહી.
ત્યારબાદ, સપ્ટેમ્બર-2023માં આ ઈન્ટરનેશનલ એરપોર્ટનું હંગામી સ્ટ્રક્ચર કામ કરતું શરૂ થયું. તે દરમિયાન, જૂલાઈ-2023માં વડાપ્રધાને અહીં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યું. આજની તારીખે અહીં માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન થાય છે અને આ એરપોર્ટને ઈન્ટરનેશનલ બનતાં હજુ વરસો વીતી જશે. કારણ કે, અહીં ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ન તો ટર્મિનલ બન્યું છે, ન તો અહીં કોઈ ઈન્ટરનેશનલ ઈમિગ્રેશન કે કસ્ટમ્સ સુવિધાઓ છે. અને, આ બધું જ વસાવતા હજુ ઘણો સમય નીકળી જશે.
હીરાસર એરપોર્ટ પર શરૂઆતમાં એવી વાત હતી કે, અહીં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરીઓ એકસાથે કરવામાં આવશે. હાલમાં એવું જાહેર થયું છે કે, હાલમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ જે ટર્મિનલ પર ઓપરેટ થઈ રહી છે ત્યાં ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઓપરેટ કરવી શક્ય નથી. તે માટે અલગથી ટર્મિનલ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી પડે, જે નજીકના સમયમાં શક્ય નથી. ટૂંકમાં, હજુ ઘણાં વરસો સુધી સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓએ ઈન્ટરનેશનલ પ્રવાસ કે મુસાફરી માટે, અમદાવાદ જ જવું પડશે.
હીરાસર એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહ કહે છે: અહીં ઈન્ટરનેશનલ ટર્મિનલ માટે દરખાસ્ત છે પરંતુ તે હાલ માત્ર પ્લાનિંગ સ્ટેજ પર છે. દરમિયાન, અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, અત્યાર સુધીમાં એક પણ એરલાઈન્સ દ્વારા રાજકોટ ખાતે ઈન્ટરનેશનલ ટ્રીપ શરૂ કરવા માટેની કોઈ જ તૈયારીઓ દર્શાવવામાં આવી નથી.
હીરાસર એરપોર્ટ પાસે કુલ 1,045 હેક્ટર જમીન છે. અને તે પૈકી 23,000 સ્કવેર ફિટ જમીન પર હાલનું ટર્મિનલ ઉભું છે. ઓક્ટોબર-2017માં અહીં ભૂમિપૂજન થયેલું. ત્યારે વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી હતી. પછી ઘણાં વર્ષ જમીન સંપાદન કામગીરીઓ ચાલી. કન્સ્ટ્રક્શન થયું.(file image source:google)