Mysamachar.in-રાજકોટ:
રાજકોટ રેલવે ડીવીઝનના ટીકીટ ચેકીંગ સ્ટાફ નિરંજન પંડ્યાની સતર્કતા અને સૂઝબૂઝ ના લીધે ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી કરનાર મહિલા ચોર ને RPF સ્ટાફની મદદથી પકડવામાં આવી છે. વધુ વિગતો આપતા, રાજકોટ ડિવિજનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે 17 ફેબ્રુઆરી, 2022ના રોજ રાત્રે 01:15 વાગ્યે, રાજકોટ ડિવિજનના ટીટીઈ નિરંજન પંડ્યા ડ્યુટી પર જવા માટે પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. તેણે જોયું કે ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 3 પર ઉભી હતી અને એક મહિલા અચાનક દોડીને ટ્રેનના એસી કોચ B-1માં પ્રવેશી હતી. થોડા સમય પછી જ્યારે ટ્રેન દોડવા લાગી ત્યારે તેજ મહિલાએ બેગ લઈને ચાલતી ટ્રેનમાંથી છલાંગ લગાવી.
ટીટીઈ પંડ્યાએ વિચાર્યું કે ટ્રેન માં ચડતી વખતે મહિલા પાસે કોઈ બેગ હતી નહિઁ અને નીચે ઉતરતી વખતે તેના પાસે બેગ હતી, તેથી તેણે આ મહિલાની શંકાના આધારે રોકી હતી. ત્યારબાદ એસી કોચમાંથી બે મુસાફરોએ બૂમો પાડવાનું શરૂ કર્યું કે મહિલા તેની બેગ લઈને ભાગી ગઈ છે. ટીટીઈ પંડ્યાએ તરત જ મહિલા પાસેથી બેગ લઈને તે પેસેન્જરને ચાલુ ટ્રેનમાં પાછી આપી અને પછી મહિલાને ટિકિટ બતાવવા કહ્યું. મહિલા પાસે ટિકિટ ન હતી અને તે યોગ્ય રીતે જવાબ આપી શકતી ન હતી. ત્યારબાદ TTE જોયું કે સ્ટેશન પર બેન્ચની પાછળ આ મહિલાએ બીજી એક બેગ પણ છુપાવી હતી. ટીટીઈએ આ ઘટના અંગે તાત્કાલિક આરપીએફ સ્ટાફ અને કંટ્રોલ ને જાણ કરી અને ફરજ પરના આરપીએફ સ્ટાફ આસિસ્ટન્ટ મહીંલા ને સોંપી અને તેઓ ફરજ પર ગયા.
આરપીએફ દ્વારા મહિલાની સઘન પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેણી સંતોષકારક જવાબ આપી શકી ન હતી અને અંતે સ્વેચ્છાએ કબૂલાત કરી હતી કે તેણીએ રાત્રે મુસાફરોની ઊંઘનો લાભ ઉઠાવીને ટ્રેનમાંથી સામાનની ચોરી કરી હતી. આ પછી સમીમબાનો સફિયોદીન દાઉદ મોમીન (ઉંમર 36 વર્ષ) નામની આ મહિલા જે જલગાંવ જિલ્લામાં સ્થિત પટોલા ગામની રહેવાસી છે, તેને જીઆરપીને સોંપવામાં આવી હતી અને તેના પર આઈપીસીની કલમ 379 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. થોડા સમય પછી, કિશોર ભાઈ ટંડેલે, જેઓ તેમના પરિવાર સાથે વલસાડથી પોરબંદર ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના એસ-7 કોચમાં સીટ નંબર 50, 51, 53 અને 54 પર મુસાફરી કરી રહ્યા હતા, તેમણે ટીટીઈને જણાવ્યું કે તેમની પાસે જાંબલી રંગની ટ્રોલી બેગ ચોરાઈ ગઈ છે. તે કોસંબાનો રહેવાસી છે, જે વ્યવસાયે માછીમાર છે અને તેના સંબંધીના લગ્નમાં પોરબંદર જઈ રહ્યો હતો. ટીટીઇ દ્વારા આરપીએફ કંટ્રોલ રાજકોટને જાણ કરવામાં આવી હતી જ્યાંથી જાણવા મળ્યું હતું કે રાજકોટ સ્ટેશન પર મહિલા ચોર પાસેથી મળેલી બેગ એ જ છે. માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા પછી, ટ્રોલી બેગ અને તેનો તમામ સામાન, જેની કિંમત લગભગ આશરે 1.75 લાખ રૂપિયા હતી, તે પેસેન્જરને પરત કરવામાં આવી હતી. આ ટ્રૉલી બેગ માં સોનાનું એક મંગળસૂત્ર, રૂ. 11500/- રોકડા, એક લેડીઝ પર્સ, ઈમિટેશન જ્વેલરી, ઘડિયાળ અને કપડાં હતા.