Mysamachar.in-ગાંધીનગર:
રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગને સિક્સલેન બનાવવાની કામગીરીઓ વર્ષોથી ચાલી રહી છે. આ વિલંબ અંગે વિપક્ષ દ્વારા વિધાનસભામાં સરકારને મૂંઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમ્યાન એ વિગતોની પણ ચર્ચાઓ થઈ કે, આ ધોરીમાર્ગનું કામ શરૂ થયાને આજે આઠમું વર્ષ ચાલી રહ્યું છે.
આ સિક્સલેન ધોરીમાર્ગ બાબતે સહકાર વિભાગના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, આ રસ્તો રૂ. 3,350 કરોડના ખર્ચથી બની રહ્યો છે. 201.33 કિમી લાંબા આ માર્ગના પ્રથમ તબક્કામાં 197 કિમી કામ કરવાનું હતું જે પૈકી 193 કિમી કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી ડિસેમ્બરના એટલે કે, આ વર્ષના અંત સુધીમાં આ રસ્તાનું કામ પૂર્ણ કરી લેવામાં આવશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ ધોરીમાર્ગ સંપૂર્ણ બની જતાં મુસાફરી સમય ઘટશે તેમ જ ઈંધણની પણ બચત થશે. આ નેશનલ હાઈવે પર કુલ 38 ફ્લાયઓવર અને અન્ડરપાસની કામગીરીઓ પૈકી 34 કામ પૂર્ણ થઈ ગયા, બાકીના 4 કામ ગતિમાં છે. વધુમાં તેમણે કહ્યું: 2019ની સાપેક્ષે છેલ્લા 3 વર્ષની અકસ્માતની સરેરાશમાં 41 ટકાનો ઘટાડો નોંધાયો છે. અકસ્માતની સંભાવનાઓ ધરાવતાં 38 બ્લેક સ્પોટ પૈકી 34 નો નિકાલ કરવામાં આવ્યો છે, એમ મંત્રીએ અંતમાં જણાવ્યું.