Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી શરૂ થયેલી મેઘસવારી ગઈકાલે મંગળવાર સુધી અવિરત રીતે વરસી હતી. જો કે ગઈકાલે સાંજથી ખંભાળિયા તાલુકામાં મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. જ્યારે દ્વારકા સહિતના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રીના નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ખંભાળિયા તાલુકામા ગઈકાલ સુધી કુલ 54 ઈંચ સાથે 1309 મિલીમીટર વરસાદ પડ્યો છે. જે મોસમનો કુલ 184 ટકા સુધી પહોંચી ગયો છે. મંગળવારે બપોર સુધી અવિરત રીતે ચાલુ રહેલા ભારે ઝાપટા સાથેના વરસાદે આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક માં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ છેલ્લા ત્રણ દિવસના સમયગાળામાં 41 ઈંચ (1021 મીમી) પાણી વરસી જતાં તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મંગળવારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીના 5 કલાકના સમયગાળા દરમિયાન 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ પછી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. જોકે આજે પણ દિવસ દરમિયાન મેઘાવી માહોલ વચ્ચે માત્ર હળવા અમીછાંટણા થયા હતા અને થોડો સમય ઉઘાડ જેવું વાતાવરણ પણ આજે સવારે જોવા મળ્યું હતું. હાલની પરિસ્થિતિમાં વરસાદી બ્રેક સાથે ઉઘાડ અનિવાર્ય ગણાય છે. ત્યારે લોકો તથા ધરતીપુત્રો હવે થોડો સમય મેઘરાજાના વિરામની આશા રાખે છે.
-જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર: દ્વારકામાં રાત્રે છ ઇંચ વરસાદ વરસ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં પણ ગઈકાલે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દ્વારકા તાલુકામાં ગઈકાલે સાંજે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં ધોધમાર આઠ ઈંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળેલ. છે આ સાથે ગઈકાલે ૨૪ કલાક દરમિયાન 9 ઈંચ (229 મીમી) વરસાદ નોંધાયો છે, આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં 24 કલાક દરમિયાન 11.5 ઈંચ તથા ભાણવડમાં સવા આઠ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળેલ છે.
-જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસના સચરાચર અને ભારે વરસાદના પગલે નાના-મોટા તમામ ચેકડેમો સાથે વિશાળ જળાશયો પણ સંપૂર્ણપણે ભરાઈ જતા ઓવરફ્લો થઈ ગયા છે.જેમાં ખંભાળિયાના મહત્વના ઘી ડેમ, સિંહણ ડેમ, મહાદેવીયા, ઉપરાંત વર્તુ-1, સોનમતી, મિણસાર (વાનાવડ), વેરાડી -1, વેરાડી-2, સિંધણી, શેઢા ભાડથરી, કબરકા, ગઢકી, કંડોરણા, વર્તુ-2 નામના ડેમનો સમાવેશ થાય છે.આમ સમગ્ર જિલ્લામાં પીવાના પાણીનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ થઈ ગયો છે.
-જિલ્લામાં વરસાદની ટકાવારી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી આજે બુધવારે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં 41 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 29 ઈંચ, દ્વારકા તાલુકામાં 21.5 ઈંચ, અને ભાણવડમાં 19.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે ટકાવારીમાં જોઈએ તો ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ 183.33 ટકા, કલ્યાણપુર તાલુકામાં 138 ટકા, દ્વારકા તાલુકામાં 147.52 ટકા અને ભાણવડ તાલુકામાં 108.72 ટકા જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. આમ, હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાના પ્રારંભિક દિવસોમાં 108 ટકાથી 188 ટકા સુધી ભારે વરસાદ વરસી જતા અતિવૃષ્ટિ તથા નુકસાની તેવી પરિસ્થિતિ સર્જાય તે પહેલા મેઘરાજા હવે થોડા દિવસ લ્યે અને જનજીવન થાળે પડે તેમ સૌ ઇચ્છી રહ્યા છે.