Mysamachar.in:જામનગર
ત્રણ દિવસ પહેલાં જામનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ રાજ્યકક્ષાએથી જાહેર થયાં પછી કાલે શુક્રવારે આ રેડ એલર્ટ હટાવી લેવામાં આવ્યું હતું પરંતુ આજે સવારે સાત વાગ્યે ફરીથી રાજ્ય હવામાન વિભાગે આગાહી કરી છે કે, સવારે દસ વાગ્યા સુધીમાં જામનગર અને દ્વારકા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળીના ચમકારા તથા કડાકા ભડાકા થઈ શકે છે. આ આગાહી મુજબ, જામનગર જિલ્લામાં જામનગર ઉપરાંત જોડિયા અને ધ્રોલમાં વરસાદ નોંધાયો છે. કાલે શુક્રવારે રાત્રિ દરમિયાન આ ત્રણ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અને જામનગરમાં આજે સવારે પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
જિલ્લા કંટ્રોલ રૂમનાં રિપોર્ટ અનુસાર, જામનગર જિલ્લામાં કાલે શુક્રવારે રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં જોડિયામાં 36 મિમી અને ત્યારબાદ રાત્રે 12 થી 02 વાગ્યા સુધીમાં વધુ 22 મિમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધ્રોલ પંથકમાં શુક્રવારે રાત્રે 12 થી 02 વાગ્યા સુધીમાં 16 મિમી વરસાદ નોંધાયો હતો. જામનગર શહેરમાં વહેલી સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 7 મિમી વરસાદ નોંધાયો હતો.
બાદમાં આજે શનિવારે સવારે, જામનગર શહેરમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં વધુ 36 મિમી વરસાદ નોંધાયો હતો. આ બે કલાકનાં ગાળામાં જામનગર શહેરમાં વરસાદ પહેલાંનો અને વરસાદ સાથેનો આકાશી ગડગડાટ નોંધપાત્ર પ્રમાણમાં સંભળાયો હતો. જો કે આજે સવારે છ વાગ્યાથી જામનગર તાલુકામથક સિવાય જિલ્લાના અન્ય કોઈ તાલુકામથકે વરસાદ નોંધાયો નથી.
ડેમસાઈટની સ્થિતિ મુજબ, ફૂલઝર-1, સપડા, રણજિતસાગર તથા વોડિસાંગ સહિતનાં કેટલાંક જળાશયોમાંથી પાણીનો આઉટફલો ચાલુ છે એટલે આ ડેમોનાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોએ સતર્ક રહેવું પડશે. જિલ્લા પંચાયત કંટ્રોલ રૂમનાં રિપોર્ટ અનુસાર, જામનગર તાલુકાના વસઈ, લાખાબાવળ અને અલિયાબાડા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જોડિયા તાલુકામાં ઝાપટાં પડ્યા છે અને કાલાવડ તાલુકાના નિકાવા તથા નવાગામમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામજોધપુર તાલુકામાં એકમાત્ર ધ્રાફામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે, બાકીનાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાં અને એ જ રીતે લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માત્ર ઝાપટાં પડ્યા છે.