Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં ગત્ 16મી જૂને ચોમાસાનો સત્તાવાર આરંભ થયા પછી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છે. વચ્ચે વચ્ચે વરસાદી વિરામના દિવસો પણ રહ્યા. ફરી એક વખત, હવામાન વિભાગ જણાવે છે કે આજથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે કારણ કે, નવેસરથી વરસાદી સિસ્ટમ વિકસી ચૂકી છે.
હવામાન વિભાગ જણાવે છે કે, રાજ્યમાં 3 નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોય, આગામી દિવસોમાં વરસાદનું જોર વધી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની શકયતાઓ છે. આ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ-અમરેલી સહિતના સૌરાષ્ટ્ર કચ્છ તથા ગુજરાતમાં હળવા વરસાદની સંભાવનાઓ છે.
હવામાન વિભાગે વરસાદની 3 નવી સિસ્ટમમાં સાયકલોનિક સરકયૂલેશન, લો પ્રેશર સિસ્ટમ અને ઓફશોર ટ્રફ નામની સિસ્ટમનો ઉલ્લેખ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ વરસાદ પૈકી 54-55 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી છે પણ એસટી નિગમ દ્વારા એક પણ બસ કે રૂટ બંધ કરવાની જાહેરાત થવા પામી નથી.