Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે સોમવારે રાત્રે લોક ડાઉન -4 ની નવી ફોર્મ્યુલામાં વિવિધ પ્રકારના ધંધાઓમાં છૂટ-છાટ આપવામાં આવી છે. એક વાત મુજબ રાજ્યમાં સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ મોટી સંખ્યામાં લોકો પાન મસાલાની છૂટ માટેની જોઈ રહ્યા હતા. ત્યારે આ પ્રાથમિક ગાઈડલાઈનમાં પાન, માવાની દુકાનો આજે મંગળવારથી ખુલશે તેવી પ્રાથમિક જાહેરાતોથી બંધાણીઓમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. આ વચ્ચે નવાઈની બાબત તો એ છે કે હજુ સરકાર દ્વારા આ અંગેની કોઈ સ્પષ્ટ અને સ્થાનિક કક્ષાએથી વિગતો જાહેર કરવામાં આવી નથી, તે વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી જ તમાકુ વેચતા વેપારીઓની દુકાનો પાસે ખુબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.
આ અંતર્ગત ખંભાળિયાના ચોક્કસ બજરીયા, તમાકુનું વેચાણ કરતા દુકાનદારોના બંધ બારણા પાસે વહેલી સવારે સાડા સાતેક વાગ્યાથી જ લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા જોવા મળ્યા હતા. ખંભાળિયાના ખાસ કરીને બજર તથા બીડીના બંધાણીઓ હાલ લોક ડાઉન તથા બંધના કારણે ભારે હાલાકીમાં મુકાઈ ગયેલા અને બજર તથા તમાકુના અભાવે શારીરિક મુશ્કેલીઓનો સામનો કરી ચૂકેલા આ પ્રકારના બંધાણીઓ તેમને આ પ્રકારની ચીજ વસ્તુઓનો જથ્થો ખાલી થઈ જાય તે પહેલા મેળવી લેવાની લ્હાયમાં સવારથી જ દુકાનોના દરવાજે પ્રતીક્ષા કરતાં જોવા મળ્યા હતા. જેમાં મહિલાઓ પણ હતી..!!
ખંભાળિયા શહેરમાં તમાકુ, બીડી, બજરની ખરીદી કરવા ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો દોડી હતા.આ પરિસ્થિતિમાં દુકાનો નજીક ઉમટેલા લોકોને દુર કરવા પોલીસ પણ દોડી ગઈ હતી. આટલું જ નહિ સ્પષ્ટ ગાઈડ લાઈનના અભાવે તથા સાવચેતીના પગલા રૂપે અનેક દુકાનદારોએ પોતાની દુકાનો આજે પ્રથમ દિવસે ખોલવાનું પણ માંડી વાળ્યું હતું. જ્યારે અનેક દુકાનોમાં તમાકુ- ગુટકાનો સ્ટોક અગાઉથી તળિયા ઝાટક હોવાથી આ દુકાનો ખુલી જ ન હતી.!એક કટાક્ષ મુજબ અનાજની દુકાનો કરતાં બીડી, તમાકુની દુકાનોમાં સવારે વધુ ભીડ જોવા મળી હતી…