Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ગઈકાલે ઓખા રેલવે સ્ટેશન પર મુંબઈના બાંદ્રાથી આવેલી એક ગુડ્ઝ ટ્રેનના ડબ્બામાંથી મેડિકલ ગુડ્ઝના નામે બુક કરાવવામાં આવેલા 48 પાર્સલ ઉતારવામાં આવ્યા હતાં. તે પાર્સલ નિહાળી રેલવે પોલીસના એક કર્મચારીને શંકા ગયા પછી તલાસી લેવાતા તેમાંથી બિયરના 2283 નંગ ટીન નીકળી પડ્યા હતાં. આ જથ્થાની ડિલીવરી લેવા આવેલા પોરબંદરના શખ્સની ધરપકડ કરાઈ છે. પોરબંદરમા રહેતો આસીફ ઈકબાલ કાસમાણી નામનો શખ્સ બોલેરો પીકઅપ જીપ લઈને ઓખા રેલવે સ્ટેશન આવ્યો હતો.
તેણે આ તમામ પાર્સલ છોડાવી જીપમાં મૂકવાની તજવીજ કરતા જ પોલીસ સ્ટાફે શંકાને આધારે પાર્સલ ખોલાવતા તેમાંથી 2283 નંગ બીયરના ટીન નીકળી પડ્યા હતાં. આ શખ્સની પોલીસે કરેલી પ્રાથમિક પુછપછરમાં બીયરનો ઉપરોક્ત જથ્થો મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર મહમદ અસગર નામના શખ્સે ઓખા સુધી મોકલવા માટે બુક કરાવ્યો હોવાનું ખુલ્યું છે જેમાં તેણે રીસીવર તરીકે કેશોદના એરપોર્ટ રોડ પર રહેતા ભરત પટેલનું નામ લખાવ્યું હતું. રેલવે પોલીસે આસીફની ધરપકડ કરી સપ્લાયર મહમદ તથા રીસીવર ભરત પટેલનો શું રોલ છે તે દિશામાં વિશેષ તપાસ હાથ ધરી છે.