Mysamachar.in-સુરેન્દ્રનગર:
સ્ટેટ મોનિટરીંગ સેલના એક ચુનંદા ફોજદારનું ફરજ બજાવવા જતાં ઘાતક અકસ્માતમાં મોત થતાં પોલીસબેડામાં અરેરાટી અને શોક વ્યાપી ગયા છે. આ ફોજદાર રાત્રે અઢી વાગ્યે, એક દારૂ ભરેલી કારને આંતરવા પ્રયાસ કરી રહ્યા હતાં ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જો કે, અકસ્માતનો ફાયદો ઉઠાવી દારૂ ભરેલી આ કાર નાસી છૂટી હતી, બુટલેગરનો હજુ પતો મળેલ નથી.
રાજ્યભરમાં પોતાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ, રાજયમાં ગમે ત્યાં, ગમે તે સમયે ત્રાટકતી હોય છે અને વિવિધ ગુનાઓના આરોપીઓને રંગે હાથ ઝડપી લેતી હોય છે. આ દરોડા કે ઓપરેશનની સ્થાનિક પોલીસને ગંધ પણ આવવા દેવામાં આવતી નથી. આ ઓપરેશનો ખૂબ ગુપ્ત હોય છે.
આ પ્રકારનું એક ઓપરેશન ગત્ રાત્રે અઢી વાગ્યા આસપાસ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા નજીક ગોઠવવામાં આવેલું. SMCને એવી પાકી બાતમી મળી હતી કે, એક બુટલેગર આ વિસ્તારમાંથી શરાબ ભરેલી કાર લઈ નીકળવાનો છે. આથી વોચ ગોઠવવામાં આવેલી. બુટલેગરની કાર ધ્યાન પર આવતાં જ SMCના ચુનંદા PSI પઠાણની કારે બુટલેગરની કારને આંતરવા પ્રયાસ કર્યો. આ દરમિયાન એક ટ્રેલર કયાંકથી આવી ચડયું. દરમિયાન, બુટલેગરની કાર નાસી છૂટી અને એ જ સમયે પોલીસની કાર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ. જેમાં એક ફોજદારનું મોત થયું. બે પોલીસકર્મીઓ ઘાયલ થયા.
મૃતક ફોજદાર ઝાહિદખાન મુનસફખાન પઠાણ(50) અમદાવાદના જુહાપુરા વિસ્તારના રહેવાસી હતાં અને SMC ના બાહોશ અધિકારીઓમાં તેમની ગણના થતી હતી. એમ માનવામાં આવે છે કે, ટ્રેલર અને બુટલેગરની કારની લાઈટના પ્રકાશમાં પોલીસની કારના ચાલકની આંખો અંજાઈ જતાં, પોલીસકાર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ જેને કારણે આ ઘાતક અકસ્માત થયો.
આ અકસ્માતમાં પોલીસની કારમાં રહેલાં અન્ય બે પોલીસકર્મીઓ દિનેશ રાવત(અમદાવાદ) અને કૃષ્ણદેવસિંહ જાડેજા(રાજકોટ)ને ઈજાઓ થઈ છે. અકસ્માત સમયે ગંભીર ઈજાઓ પામેલા ફોજદાર પઠાણને પ્રાથમિક સારવાર માટે તાકીદે વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ ઈજાઓ એટલી ગંભીર હતી કે તેમને બચાવી શકાયા નહીં.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક ASI એ પણ આ જ રીતે, શરાબ ભરેલાં વાહનને રોકવા પ્રયાસ કર્યો ત્યારે એ વાહનચાલકે ASI બળદેવ નિનામાને કચડી નાંખેલા અને ASIનું તેમાં મોત થયેલું. આ પ્રકરણની તપાસમાં તો કેટલાંક પોલીસકર્મીઓની સંડોવણી પણ બહાર આવી હતી.
અત્રે એક મહત્વપૂર્ણ બાબત એ બહાર આવી છે કે, દસાડા નજીક ગત્ રાત્રે સર્જાયેલા આ અકસ્માત સમયે મૃતક ફોજદારના ભાઈ ફીરોઝની બનાવ સમયે હાજરી અંગે મીડિયાકર્મીઓએ પોલીસને પૂછપરછ કરતાં, પોલીસે એવી સ્પષ્ટતા કરી છે કે, ફીરોઝ ચંદીગઢ છે, ગુજરાતમાં ન હતો. આજે બપોરની ફ્લાઇટમાં તે ચંદીગઢથી અમદાવાદ આવશે.