Mysamachar.in- દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખંભાળિયા નજીક પહેલા એસ્સાર તરીકે ઓળખાતી અને હવે નયારા એનર્જી કંપની સામે છેલ્લા ૮ દિવસથી કંપની આસપાસના ગામના ખેડૂતો અને આગેવાનો દ્વારા કંપની સામે પ્રદૂષણ,રોજગારી સહિતના મામલે દેવળીયા ગામ નજીક આવેલ કંપનીના ગેઇટ સામે વિરોધ પ્રદર્શન પર બેસીને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે,
તેવામાં ખંભાળિયા તાલુકાનાં અને નયારા એનર્જી કંપની આજુબાજુમાં વસવાટ કરતાં ૨૦ ગામના ખેડૂતો દ્વારા આજે દિવાળીના પર્વ નિમિતે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને કંપનીના ગેઇટ સામે છાવણીમાં ખેડૂતોએ પોતાનો પાક સળગાવીને હોળી કરીને કંપની સામે સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર રોષ ઠાલવ્યો હતો,
વધુમાં નયારા એનર્જી આઠ દિવસથી ખેડૂતો આંદોલન ચલાવીને આત્મવિલોપન ચીમકીથી માંડીને અનેક રજૂઆતો કરવા છતાં કંપની દ્વારા હજુ સુધી ખેડૂતોના હાવભાવ પુછવામાં ન આવતા ભારે વિરોધ વચ્ચે ખેડૂતોએ આજે દિવાળીના પર્વના બદલે હોળી કરીને કંપની સામે રોષ ઠાલવીને અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આમ કંપની દ્વારા ઓકવામાં આવતા પ્રદૂષણ અને સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી આપવાના ન્યાયિક મુદ્દે છેલ્લા ૮ દિવસથી ખેડૂતો કંપનીના ગેઇટ સામે છાવણી નાખીને આંદોલન ચલાવવામાં આવી રહ્યું હોવા છતાં કંપની તો ઠીક પરંતુ ખેડૂતોની હામી ગણાવતી સંવેદનશીલ સરકારનું નિંભર તંત્ર પણ આંખ આડા કાન કરીને સુચક મૌન રહેતા કોણ કોનું પ્યાદુ છે,તેનો જનતાને ખ્યાલ આવી ગયો હોવાનું પણ ચર્ચાનો વિષય બન્યો છે.