Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હજારોની સંખ્યામાં ‘સૂચિત’ સોસાયટીઝ આવેલી છે જે પૈકીની મોટાભાગની ખાનગી જમીનો પર છે અને સેંકડો સૂચિત સોસાયટીઝ એવી પણ છે જે સરકારી અથવા મહાનગરપાલિકાની જમીનો પર ખડકાયેલી છે. આ બંને પ્રકારની સોસાયટીઝની જે જમીનો પર બાંધકામો છે, તે બાંધકામોની જમીનોના ટાઇટલ કેવી રીતે ક્લિયર કરી શકાય- એ દિશામાં સરકાર ઉકેલ શોધી રહી છે.
રાજ્યમાં હજારો સૂચિત સોસાયટીઝ એવી છે જેમાં લાખો રહેણાંક છે, હજારો ઉદ્યોગો અને કોમર્શિયલ બાંધકામો છે, જેમાં શાળાઓ અને હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં એવી હજારો સૂચિત સોસાયટીઝ છે જેની અડોઅડ ટાઇટલ ક્લિયર જમીનો અને બાંધકામો છે- જે ઉંચી કિંમતથી વેચાણ થઈ રહ્યા છે પરંતુ સૂચિત સોસાયટીઝ ટાઇટલ ક્લિયર ન હોવાથી, આવા બાંધકામોના વેચાણ પર મોટી બ્રેક છે, જેને કારણે આવી મિલકતોના બજારભાવ પણ નીચા છે. અને, આવી મિલકતોના ઘરઘરાવ જે વેચાણ થઈ રહ્યા છે તેમાં સરકારને કોઈ આવક થતી નથી. આવા બાંધકામ દસ્તાવેજ વિનાના હોવાથી એક તરફ ધારકોને બેંક લોન મળતી નથી બીજી તરફ આવા લાખો બાંધકામોમાં સરકારને કોઈ દસ્તાવેજની નોંધણી ફી કે સ્ટેમ્પ ડયૂટીની આવક થતી નથી. સરકાર આ સ્થિતિઓનો હવે ‘તોડ’ ચાહે છે.

અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે, બુધવારની કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચાઓ થઈ. સરકાર ‘તોડ’ શોધવા ટેનન્સી એકટમાં સુધારો કરવા ઈચ્છે છે, આ માટેનું બિલ આગામી સમયમાં વિધાનસભામાં રજૂ કરવા તૈયારીઓ થઇ રહી છે. એવું દેખાઈ રહ્યું છે કે, 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં જ આ આખો મામલો સરકાર સૂલટાવી દેશે. આ ઉપરાંત એમ પણ જાણવા મળે છે કે, બુધવારની કેબિનેટ બેઠકમાં સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફી સંબંધે પણ ચર્ચાઓ થઈ છે. એમ માનવામાં આવે છે કે, સરકાર જંત્રીદર વધારો અમલમાં મૂકશે તે અગાઉ લોકોને સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં થોડી રાહત આપે તેમ પણ બની શકે.