Mysamachar.in-જામનગર:
પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાઓ જાળવવાનું તથા ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહીઓ કરવાનું છે. એટલે, આ કામગીરીઓ કોઈ કહે કે, ન કહે- કરવાની જ હોય, પરંતુ તાજેતરમાં ઉપરથી ‘દબાણ’ થતાં સ્થાનિક કક્ષાએ કામગીરીઓ કર્યાની ‘જાહેરાત’ કરવામાં આવી. અમદાવાદના એક વિસ્તારમાં લુખ્ખા તત્ત્વોએ મચાવેલા આતંકનો વીડિયો વાયરલ થતાં અને તેને કારણે ગુજરાતની સરખામણી ઉત્તરપ્રદેશ તથા બિહાર જેવા રાજ્યો સાથે થતાં- સરકાર અને પોલીસ પર ‘કંઈક કરી દેખાડવા’ દબાણ આવ્યું. ત્યારબાદ, રાજ્યના પોલીસવડાએ 100 કલાકનું અલ્ટીમેટમ એવું જાહેર કર્યું કે, અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરી, એક્શન લેવામાં આવશે.
DGPની આ ‘જાહેરાત’ને કારણે રાજ્યના બધાં જ જિલ્લાઓ અને કમિશનરેટ ધરાવતાં મહાનગરોની પોલીસે વિચાર્યું કે, મોટા સાહેબ બોલ્યા છે, ચાલો કામગીરીઓ કર્યાનો ‘દેખાડો’ કરીએ અને આપણી પરાક્રમગાથા લોકો સમક્ષ મૂકીએ. બધાં જ જિલ્લાઓમાં પોલીસ કામગીરીઓની પ્રેસનોટ તૈયાર થઈ- પ્રચાર માટે. જેમાં પોલીસે પોતાની રોજિંદી કામગીરીઓના જૂના તથા નવા આંકડાના સરવાળા કરી દીધાં.
જામનગર પોલીસે જાહેર કર્યું કે, અમે 38 વાહનો કબજે લીધાં. 11 હિસ્ટ્રીશીટર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા 21 લોકોને ચેક કર્યા. શક પડ્યો હોય એવા 79 ઈસમો અને 708 શંકાસ્પદ વાહનો ચેક કર્યા, દારૂના 54 કેસ કર્યા, 17 ટપોરી માથાભારે ઈસમોને ચેક કર્યા, નશો કરીને વાહન ચલાવતા હોય તેવા 3 ઈસમોના કેસ કર્યા, મિલકત સંબંધિત ગુનાઓના 43 આરોપીઓ ચેક કર્યા, 26 લિસ્ટેડ બુટલેગરને ચેક કર્યા. આમ કુલ મળી 1,007 લોકો વિરુદ્ધ કાર્યવાહીઓ કરી.

આ ઉપરાંત પોલીસ કહે છે: અમે ગેરકાયદેસર વીજજોડાણ ધરાવતાં ગુંડા તત્ત્વો વિરુદ્ધ વીજતંત્રની સાથે રહી કામગીરીઓ કરી. જેમાં વીજતંત્રએ રૂ. 14.23 લાખના દંડની વસુલાત કરી. જામનગર પોલીસ આગામી અનિશ્ચિત સમય સુધી આ બધી જ કામગીરીઓ કરતી રહેશે.
સામાન્ય લોકોમાં ચર્ચાઓ એવી છે કે, લુખ્ખા- ટપોરીઓ- અસામાજિક તત્ત્વો અને રીઢા ગુનેગારો એ બધાં અંગે પોલીસ પાસે બધી જ જાણકારીઓ હોય છે, પોલીસે આવા શખ્સો પર વોચ રાખવી જોઈએ, આવા ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલાંઓ લેવા જોઈએ. શહેર અને જિલ્લામાં કયાંય પણ, કોઈ પણ પ્રકારનો ગુનો આચરતા અગાઉ આવા ઈસમો પોલીસના ડરથી ફફડી ઉઠે એવું વાતાવરણ, એવી ધાક પોલીસની હોવી જોઈએ. યાદીઓ અને પ્રેસનોટ તૈયાર થવાથી જ- ગુનાહિત માનસ ધરાવતાં શખ્સો ડરી ન જાય. આવા ઈસમો બચવાના રસ્તાઓ જાણતાં જ હોય છે.
