Mysamachar.in-
શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ‘વહેવાર’ અને ‘વહીવટ’ની બોલબાલા ચાલી રહી છે, એ બાબત પ્રકાશમાં લાવતો એક કિસ્સો એક શિક્ષિકાની હિંમતને કારણે બહાર આવી ગયો. શિક્ષિકાએ આચાર્ય અને જૂનિયર ક્લાર્કને લાંચના છટકામાં સપડાવી દીધાં. મામલો અમદાવાદ પંથકનો છે, આ મામલાને કારણે વધુ એક વખત, શિક્ષણ વિભાગમાં ચાલતો ‘સડો’ જાહેર થઈ ગયો.
આ પ્રકરણની જાહેર થયેલી વિગત અનુસાર, અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામથકના એક વિદ્યામંદિરમાં લાંચના નાણાંની લેતીદેતીઓ થઈ. આચાર્ય વતી શિક્ષિકા પાસેથી જૂનિયર ક્લાર્ક દ્વારા લાંચના રૂ. 35,000 લેવામાં આવ્યા, આ ACBએ ગોઠવેલું છટકું હતું. આથી આચાર્ય અને જૂનિયર ક્લાર્ક બંને અંદર થઈ ગયા છે.
આચાર્યનું નામ કમલેશ માણેકલાલ પટેલ અને ક્લાર્કનું નામ વિમલ ભાઈલાલ પટેલ- આચાર્યએ આ વિદ્યામંદિરમાં નવી ભરતી થયેલી એક શિક્ષિકાને કહ્યું કે, તમે નોકરી પર હાજર થયા છો એ ટીચર બેઠકનો સમાવેશ મેં ઈકોનોમિક વીકર સેકશનમાં કરાવી, નેશનલ પોલિસી અંતર્ગત નોંધ કરાવી દીધી છે, જેના બદલામાં ‘વહેવાર’ સમજી તમારે રૂ. 35,000 આપવાના રહેશે, આ રકમ જૂનિયર ક્લાર્કને આપી દેજો.
દરમ્યાન, આ શિક્ષિકાએ ACBનો સંપર્ક સાધી કહ્યું કે, મારી પાસે આ રીતે લાંચની માંગ થઈ છે પણ હું લાંચ આપવા ઈચ્છતી નથી. આથી ACBએ છટકું ગોઠવી, લાંચના નાણાં સ્વીકારનાર જૂનિયર ક્લાર્ક અને આચાર્યના કહેવાથી આ કાંડ થયો હોય આચાર્યને પણ ACBએ ઝડપી લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બધાં જ સરકારી વિભાગમાં લાંચકાંડ જાહેર થઈ રહ્યા છે અને ACBની સક્રિયતાને કારણે આ પ્રકારના તત્ત્વો ઝડપાઈ રહ્યા છે જેને કારણે બધાં જ સરકારી વિભાગો તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે જગ્યાઓ પર સારો એવો ‘ગભરાટ’ અને ‘સાવચેતી’ જોવા મળી રહ્યા છે.