Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના તાલુકામથક ધ્રોલની તદ્દન નજીક ભૂચરમોરીના ઐતિહાસિક મેદાન તરીકે ઓળખાતી વિશાળ જગ્યા અને સ્મારક છે. જેની નજીક લાખો ચોરસમીટર સરકારી જમીન પર દબાણ થઈ રહ્યું હોવાની તંત્ર સમક્ષ રજૂઆત થઈ છે. આ મામલો આગામી દિવસોમાં મોટો બનવાની પણ સંભાવનાઓ છે.
ધ્રોલ જાગૃત નાગરિક સંગઠન દ્વારા આજે મામલતદાર કચેરીએ આવેદન આપવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, ભૂચરમોરીની ઐતિહાસિક ભૂમિ પર તથા તેની આસપાસની ગૌચરની ખૂબ મોટી જમીનો પર દબાણ થઈ રહ્યું છે. ગૌચરની લાખો ચોરસમીટર જમીન પર ખનિજમાફિયાઓ તથા હોટેલમાફિયાઓ દ્વારા દબાણ થઈ રહ્યું છે. આ જમીનોનું કુલ ક્ષેત્રફળ આશરે 47 લાખ સ્કવેર ફૂટ છે.
આવેદનમાં કહેવાયું છે કે, સરકારી ખરાબાઓની જમીનો તથા ગૌચરની જમીનોમાંથી માટી અને રેતીની ધૂમ ચોરી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ભૂચરમોરીના ઐતિહાસિક મેદાન પર દર વર્ષે કાર્યક્રમ થાય છે, તેમાં સર્વે મહાનુભાવો પણ ઉપસ્થિત હોય છે. લોકમેળામાં લાખો માણસો ઉમટી પડે છે. આમ છતાં આ માફિયા પ્રવૃતિઓ ચાલી રહી છે, જો આમ જ ચાલ્યું તો છેવટે ગૌચરની 1 સ્કવેર ફૂટ જમીન પણ બચશે નહીં.
આ દબાણોને કારણે ગાયો સહિતના લાખો જીવોનું ભરણપોષણ છીનવાઈ જશે. આ તમામ દબાણો દૂર કરાવી, દબાણ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહીઓ કરી, ગુનો દાખલ કરવામાં આવે એવી માંગ પણ આ આવેદનમાં કરવામાં આવી છે. અહીં હોટેલો, સમાજવાડી વગેરે ગેરકાનૂની બાંધકામો છે. અને, રેતીચોરી તથા ખનિજચોરી ચાલે છે, એમ આવેદનના અંતમાં જણાવવામાં આવ્યું છે.
-આ મામલે મામલતદાર તન્વી ત્રિવેદી કહે છે કે….
આ સમગ્ર મામલે ધ્રોલ મામલતદાર તન્વી ત્રિવેદીની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે અગાઉ પણ મને રજૂઆત મળેલ તે બાબતે મેં નગરપાલિકાને આ અંગે જરૂરી તપાસ અને રોજકામ કરવા માટે લખ્યું છે, આજે વધુ એક વખત રજૂઆત મળી છે ત્યારે અમારા દ્વારા આ અંગે જરૂરી તપાસ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.