Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગરની સંસ્થા ગ્રાહક સુરક્ષા મંડળે હાલારના બંને જિલ્લાઓમાં કેટલાંક ખાનગી તબીબોની ‘મનમાની’ અંગે આરોગ્ય સત્તાવાળાઓને ફરિયાદ કરી છે. આ સંસ્થાના મંત્રી કિશોર મજીઠીયાએ આ ફરિયાદ-રજૂઆતમાં જણાવ્યું છે કે, ઘણાં ખાનગી તબીબો દર્દીઓની એપોઈમેન્ટ ફોન પર લખતાં નથી જેથી દર્દીઓના પરિવારજનોને હાલાકીઓ વેઠવી પડે છે, સારવારમાં વિલંબ થાય છે. આ ઉપરાંત ઘણી ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના પરિવારજનો માટે બેસવાની વ્યવસ્થાઓ, પંખા તથા પીવાના પાણીની સુવિધાઓ જેવી બાબતોનો અભાવ હોય છે.
મોટાભાગની હોસ્પિટલ ડોક્ટર ફી, સારવાર ખર્ચ, ઓપરેશન ખર્ચ વગેરે વિગતો સાથેના બોર્ડ લગાવતા નથી. જેનરીક દવાઓ લખતાં નથી. એક્સ રે સહિતના રિપોર્ટ ચોક્કસ જગ્યાઓ પર કરાવવા ફરજ પાડે છે, પોતાના મેડિકલ સ્ટોરમાં જ મળે એવી દવાઓ લખી આપે છે. આમ તબીબો દ્વારા ચોક્કસ પ્રકારની ‘લૂંટ’ ચલાવવામાં આવતી હોય, આ પ્રકારના ખાનગી તબીબો વિરુદ્ધ કાર્યવાહીઓ કરવા તથા આ તમામ કાર્યવાહીઓની આ સંસ્થાને જાણ કરવામાં આવે એવી રજૂઆત તથા ફરિયાદ સ્થાનિક કક્ષાએ તથા રાજ્યના આરોગ્ય સત્તાવાળાઓ સમક્ષ મોકલાવી છે.(પ્રતીકાત્મક તસ્વીર)
