Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યની 25 લોકસભા બેઠક પૈકી જામનગર લોકસભા બેઠક માટેના મતદાનની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જામનગરના ચૂંટણીતંત્રએ આવતીકાલના મતદાન માટેની આખરી તૈયારીઓ કરી લીધી છે. જામનગરથી ચૂંટણીઓ સંબંધિત તમામ સાહિત્ય, અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ તથા સુરક્ષા વ્યવસ્થાઓ માટેના સ્ટાફને બન્ને જિલ્લાઓના વિવિધ મતદાન મથકો પર પહોંચાડવા આજે રવાના કરી દેવામાં આવ્યા છે.
આ માટેના રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તમામ વિધાનસભા મતવિસ્તારમાં નિર્ધારીત કરવામાં આવ્યા છે, જેની યાદી આ પ્રમાણે છે. કાલાવડ ઝોન માટે ધ્રોલની હરધ્રોલ હાઈસ્કૂલ, જામનગર ગ્રામ્ય માટે શહેરમાં ઓશવાળ સેન્ટર, જામનગર ઉત્તર બેઠક માટેનું સેન્ટર ડીકેવી કોલેજ ખાતે, જામનગર દક્ષિણ બેઠક માટે સાત રસ્તા નજીક ડીસીસી હાઈસ્કૂલ, જામજોધપુર માટે લાલપુરનું સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, ખંભાળિયા વિધાનસભા મતવિસ્તાર માટેનું સેન્ટર ખંભાળિયાના મહેસૂલ ભવન ખાતે તથા દ્વારકા વિધાનસભા મતવિસ્તાર માટેનું રિસિવિંગ તથા ડિસ્પેચિંગ સેન્ટર દ્વારકાની શારદાપીઠ કોલેજ ખાતે રાખવામાં આવ્યું છે જ્યાં બંને જિલ્લાઓના વિવિધ ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શન મુજબ આ બધી કામગીરીઓ ચાલી રહી છે.
દરેક સેન્ટર પર યોગ્ય બંદોબસ્તની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. EVM સહિતના મશીનો પહોંચાડવામાં આવી રહ્યા છે. આ તૈયારીઓ અંગે આજે મુખ્ય ચૂંટણી અધિકારી જામનગરના કલેક્ટર દ્વારા સઘળી જાણકારીઓ જાહેર કરવામાં આવી છે. આવતીકાલના મતદાન બાદ બધાં જ EVM સીલ થશે અને મતગણતરી સેન્ટર (હરિયા કોલેજ, ઈન્દિરા રોડ, જામનગર) ખાતે પહોંચાડવામાં આવશે જ્યાં 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે.