Mysamachar.in-જામનગર:
સમગ્ર ગુજરાતમાં કેસરીયો માહોલ ફરી એક વખત છવાઈ રહ્યો છે એમાં મતગણતરીઓ દરમિયાન જામનગર-દ્વારકા લોકસભા બેઠક પર પણ ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમનો દબદબાભેર સતત ત્રીજી વખત વિજય થઈ ચૂક્યો છે કેમ કે, પ્રતિસ્પર્ધી ઉમેદવાર મતગણતરીઓ દરમિયાન ઘણાં જ પાછળ દોડી રહ્યા હતા, પૂનમબેન તરફે નોંધપાત્ર મતદાન થયાનું જણાઈ રહ્યું છે,મોંઘવારી અને ક્ષત્રિય આંદોલન સહિતના મુદ્દાઓ ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં ઉછળી રહ્યા હતાં એમ છતાં પણ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણીઓના પરિણામોમાં કેસરીયો માહોલ વર્તાઈ રહ્યો છે.
સવારથી મતગણતરીનો ટ્રેન્ડ જોતાં બહુ વહેલાંથી જ પૂનમબેન માડમનો વિજય નિશ્ચિત દેખાઈ રહ્યો હતો અને અંતે થયું પણ તેવું કે તેમની લીડનો આંકડો 2,36,990 ને પાર કરી ગયો. જામનગરમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે એવા અહેવાલો વચ્ચે પણ મતગણતરીઓ દરમિયાન પૂનમબેન માડમને મળેલાં મતોનો આંકડો સડસડાટ આગળ વધી ગયો અને પૂનમબેન માડમ જેને હાલારની દીકરીનું બિરુદ મળ્યું છે તે સતત ત્રીજી વખત વિજેતા થયા ગુજરાત સાથે જામનગરમાં પણ મતદારોની પસંદ ભાજપા અને પૂનમબેન માડમ રહ્યા એવું મતગણતરીઓ દરમિયાન સવારથી જોવા મળ્યું હતું .
અત્રે ઉલ્લેખનિય છે કે, પૂનમબેન માડમ ભાજપાની ટિકિટ પર સતત ત્રીજી વખત વિજેતા બની રહ્યા છે, મહિલા ઉમેદવાર તરીકે આ બેઠક પર તેમનો આ રેકોર્ડ થયો છે. ક્ષત્રિય આંદોલન અને વિપક્ષના ઉમેદવાર પાટીદાર હોવાને કારણે ભારે રસાકસીની વાતો વચ્ચે પણ ભાજપાના અદભુત સંગઠન અને પૂનમબેનની વ્યક્તિગત લોકપ્રિયતા તેમજ ઓછાં જાણીતા વિપક્ષી ઉમેદવાર જેવા સંખ્યાબંધ કારણોસર ભાજપા અને પૂનમબેન આ ચૂંટણીઓમાં પણ મજબૂત પૂરવાર થઈ ચૂક્યા છે.અને તમામ અવરોધોને કચડી અને પુનમબેન માડમે જ્વલંત સફળતાનો પરચમ લહેરાવી દીધો છે.