Mysamachar.in-જામનગર:
પ્રદૂષણ સમગ્ર ગુજરાતમાં, વર્ષોથી ચિંતાઓનો વિષય રહ્યો છે. પરંતુ માત્ર ચિંતાઓથી જ જો કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી જતો હોય તો, આટલાં વર્ષો બાદ પણ, આજેય રાજ્યમાં પ્રદૂષણ ગંભીર બાબત શા માટે છે ?! આટલાં વર્ષો દરમ્યાન, આ દિશામાં કોઈ નક્કર કામગીરીઓ શા માટે થઈ શકી નથી ? એ સવાલ સૌની નજર સમક્ષ છે.
ગત્ રોજ રાજ્યની પ્રધાનમંડળની નિયમિત અને સાપ્તાહિક બેઠક યોજાઈ ગઈ. દરેક બેઠકમાં થાય છે તેમ આ બેઠકમાં પણ વિવિધ વિષયો પર ચર્ચાઓ થઈ, ગંભીર અવલોકનો થયા અને સંબંધિત વિભાગો માટે જરૂરી આદેશો છૂટ્યા. મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ બેઠકોમાં જે આદેશો કરવામાં આવે છે, એ આદેશો મુજબ પછી કામ થાય છે કે કેમ, આદેશોનું અમલીકરણ કોઈ કરાવી રહ્યું છે કે કેમ, આદેશ થયા બાદ જેતે વિભાગમાં તેના પરિણામો કે આઉટપુટ પ્રાપ્ત થાય છે કે નહીં ? એ બધાં પ્રશ્નોના જવાબો કોઈની પાસે છે ?
બુધવારની આ બેઠકમાં પ્રદૂષણ, ખાસ કરીને જળ પ્રદૂષણ સંબંધે ચર્ચાઓ થઈ અને મુખ્યમંત્રીએ સંબંધિતોને આદેશ કર્યો કે, નદી-નાળા પ્રદૂષણ મુક્ત થઈ જવા જોઈએ. આ સંદર્ભે સો મણનો સવાલ એ છે કે, મુખ્યમંત્રીએ કરેલો આ આદેશ લાગુ કોને પડે છે ? મહાનગરોની જવાબદારીઓ સંભાળતી કોર્પોરેશનો શું બીજે જ દિવસે, એટલે કે આજથી આ કામગીરીઓ શરૂ કરી દેશે ? પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આજથી જ આ કામમાં જોતરાઈ જશે ? જવાબ છે ‘ના’ ! ગાંધીનગરમાં ગમે તે વાતું થાય, સ્થાનિક કક્ષાએ બધાં જ શહેરોમાં તંત્રો કરતાં હોય એ જ કરે ! કેમ કે, આદેશનું પાલન ન કરવા સંબંધે એમના પર કોઈ જ પગલાંઓ લેવામાં આવતાં નથી !
સરકારના પ્રવકતા મંત્રીએ આ બેઠક બાદ વિગતો આપી: નદીઓ, નાળાઓમાં ગંદકી, પ્રદૂષણને લઈને મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ નદી-નાળાઓમાં થતી ગંદકીના કારણો અને તેના ઉપાયો શોધીને વહેલામાં વહેલી તકે નદી-નાળાઓમાં ગંદકી અટકાવવા માટે જરૂરી પગલાંઓ લેવા દિશા નિર્દેશ આપ્યા છે.
પ્રવક્તા મંત્રીની આ સત્તાવાર જાહેરાતના શબ્દો તપાસો. તેમાં કહેવાયું છે, વહેલામાં વહેલી તકે. આ વહેલામાં વહેલી તકે એટલે શું ? કામ ક્યારે શરૂ કરવાનું ? ક્યારે પૂર્ણ કરવાનું ? કોઈ જ સમય મર્યાદા નહીં ! એમ નથી કહેવાયું કે, 31 ડિસેમ્બર પહેલાં મારે બધું જ ‘સાફ’ જોઈશે. અને કામ નહીં થાય તો સંબંધિત સંસ્થાને મળતી ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે. અને એમ પણ નથી પૂછવામાં આવ્યું કે, અત્યાર સુધીમાં આ કામ કેમ નથી થયું ? પ્રદૂષણ છે શા માટે ? આપો ખુલાસો.
-જામનગરમાં CMના આદેશની કોઈ અસર જોવા મળશે ? કે હરિવા’લા ?!…
નદી-નાળાનું પ્રદૂષણ હટાવવાનો આ આદેશ જામનગર મહાનગરપાલિકાને તથા જામનગર ખાતેની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીને પણ લાગુ પડે છે. પરંતુ આ બંને તંત્રની ફીતરતથી પરિચિત જાણકારો માને છે કે, CMના આ કહેવાતા કડક નિર્દેશની જામનગરમાં કોઈ જ અસર જોવા મળશે નહીં.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરની નદીને ઉંડી ઉતારવા અને પહોળી બનાવવા પ્રજાની તિજોરીમાંથી કરોડોનો ખર્ચ થયો, ખર્ચ સંબંધિત વિવાદ પણ થયો, પછી આખી વાત ઠંડી પણ પડી ગઈ. આજે સ્થિતિઓ એ છે કે, આ બંને તંત્ર અને સાત લાખની વસતિ સૌને ખબર છે કે, જામનગરની નદીની હાલત શું છે ? રિવરફ્રન્ટની મીઠડી વાતો નીચેથી આ ગંદકી અત્યારે પણ ડોકાં કાઢી રહી છે- અને બંને તંત્ર જળ પ્રદૂષણ ભૂલી ક્લીન એર ની વાતુંમાં વ્યસ્ત અને મસ્ત છે. બિચારી સરકાર !





