Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયામાં ધમધમતા વિસ્તારમાં મોડી રાત્રીના સમયે કારમાં જઈ રહેલા પીધેલા પોલીસકર્મીએ દંગલ સર્જવાના મામલે જિલ્લા પોલીસ વડાએ તે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણમાં ખંભાળિયાની પોલીસ અધિક્ષક કચેરી ખાતે ફરજ બજાવતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની એવા હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ હીરાભાઈ પારઘીએ તાજેતરમાં દશેરાની રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં મોટરકારમાં અન્ય એક શખ્સ સાથે નીકળી અને રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં એસ.ઓ.જી. કચેરી નજીક રાવણ દહન જોઈને આવતા બે તરૂણોને વગર વાંકે બેફામ માર મારતા ભારે દેકારો સર્જાઈ ગયો હતો. જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.આ પ્રકરણની જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ ગંભીર નોંધ લઇ અને રાજાપાઠમાં ઝડપાયેલા હેડ કોસ્ટેબલ હસમુખ પારઘીને ઓખા ખાતે બદલી કરી, સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. આ સમગ્ર પ્રકરણ પોલીસ બેડામાં પણ ભારે ચર્ચાસ્પદ બની રહ્યું છે.