Mysamachar.in-મોરબી
કહેવાય છે ને કે પાપ છાપરે ચઢી ને પોકારે… આવું જ બન્યું મોરબી નજીક… જ્યાં જાંબુડિયા ગામ પાસેના ઓવરબ્રિજ ઉપર એક દારૂ ભરેલી સ્કોર્પિયો કાર પલ્ટી મારી ગઈ હતી. બનાવને પગલે કારમાંથી દારૂની રેલમછેલ થઈ હતી. દારૂ ભરેલી કાર પલ્ટી મારી ગયા બાદ બચેલા દારૂને બીજી ગાડીમાં સગેવગે કરવા અને સમગ્ર ઘટના પર પડદો પાડવા કાર ચાલકે સ્થળ પર એકઠા થયેલા લોકો અને પોલીસ પર પણ રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રાથમિક તબક્કે જ મોરબી પોલીસને જાણ થઈ હતી કે કારમાં સવાર બન્ને આરોપી પોલીસ તંત્ર સાથે જોડાયેલા કર્મચારીઓ જ છે અને રાજકોટના જ બે પોલીસ કર્મી દારૂની હેરાફેરી કરતા હોવાની જાણ થતા બંને વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
સ્કોર્પિયો કાર નંબર GJ-03L-4455 પલ્ટી મારી ગઈ હતી. આ કારમાં દારૂ ભરેલો હોવાથી તેમાંથી રોડ પર દારૂ ઢોળાયો હતો. આ સમગ્ર ઘટના પર પડદો પાડવા કારમાં સવાર બે શખ્સોએ બીજી ઇકો ગાડીમાં દારૂ ભરી સગેવગે કરવાના પ્રયાસો કર્યા હતા. દારૂ ભરેલી આ કારમાં સવાર રાજકોટના માલવીયા નગર પોલીસ મથકમાં LRD તરીકે ફરજ બજાવતા રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાની અટકાયત કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો સહિતની તપાસ હાલ પોલીસ કરી રહી છે. પોલીસે વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 18720 તથા બિયર ટીન 32 કિંમત રૂપિયા 3200 કુલ રૂપિયા 21,920 તથા બે મોબાઈલ અને કાર સહિત કુલ રૂપિયા 5,46,920નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બન્ને આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી રાજકોટ પોલીસને આ અંગેની જાણ કરી છે.