Mysamachar.in-મોરબી
રાજ્યમાં લાંચિયા બાબુઓના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, હજુ તો ગઈકાલની જ વાત છે કે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના અધિકારીની કરોડોની અપ્રમાણસરની મિલકત અંગે એસીબીએ કાર્યવાહી કરી ત્યાં જ કલાકોમાં જ વધુ એક જમાદાર એસીબીની ઝપટે ચઢી ગયો છે, વાંકાનેર શહેરમાં આજે બપોરે મોરબી એસીબીએ ફરીયાદના આધારે પોલીસકર્મી વતી વચેટીયાને 50 હજારની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો છે.
જેમાં એસીબીએ વાંકાનેર શહેર પોલીસમથકમાં ફરજ બજાવતાં પોલીસકર્મી કિરીટસિંહ નટવરસિંહ ઝાલા અને વચેટીયા પ્રવિણ ખોડાભાઈ બાંભવા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વાંકાનેર સીટી પોલીસમથકમાં ફરજ બજાવતા કિરીટસિંહ ઝાલાએ દારૂના ગુનામાં પકડાયે ફરિયાદી પાસે કાર્યવાહી ન કરવા 1 લાખની લાંચ માંગી હતી, જેમાં રકઝક બાદ આ રકમ 75 હજારની નક્કી થઈ હતી. જે પૈકીની 25 હજાર આપી દેવામાં આવી હતી, જ્યારે 50 હજાર હજુ પણ દેવાના બાકી હતી.
જે બાદ જામીન પર છૂટેલા ફરિયાદીને પોલીસકર્મી કિરીટસિંહ દ્વારા ફોન પર અવાર નવાર રૂપિયા પહોંચાડવા ધમકી આપી રહ્યા હતા, ત્યારે કંટાળી ફરિયાદીએ ટોલ ફ્રી નમ્બરમાં ફોન કરીને એસીબીનો સંપર્ક કર્યો હતો, અને છટકું ગોઠવ્યુ હતું અને લાંચની બાકી નીકળતી રકમ 50 હજાર આપવા પોલીસકર્મી કિરીટસિંહને કહેતા તેઓએ વચેટિયા પ્રવિણ ખોડાભાઈ બાંભવાને 50 હજાર આપી દેવા જણાવ્યું હતું.
આ સમયે મોરબી એસીબીએ છટકું ગોઠવી પોલીસકર્મી વતી લાંચ લેતા વચેટિયા પ્રવિણ ખોડાભાઈ બાંભવાને પોલીસકર્મી કિરીટસિંહ ઝાલા વતી લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો હતો, સાથે જ પોલીસકર્મી અને વચેટીયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી મોરબી એસીબી ટીમે હાથ ધરી છે.