mysamachar.in-જામનગર
જામનગર એસ.ટી.ડીવીજન વધુ એક વખત ઓડીયો કલીપ વાઈરલ મામલે ચર્ચામાં આવેલ હોય તેમ એસ.ટી.ના અધિકારીની ઓડીયો કલીપ વાઈરલ કરવાના પ્રકરણમાં ફરિયાદ અરજી થયા બાદ પોલીસ જેની વિરુદ્ધ અરજી થયેલ હતી..તેના ક્વાર્ટર પર તપાસ કરવા જતાં ખુદ કર્મચારી જ ચિક્કાર પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે પીધેલનો કેસ કરીને અટકાયત કરતાં એસ.ટી. કર્મચારી મંડળમાં ચકચાર જાગી છે,
કાલાવડ નાકા બહાર આવેલ ગુજરાત વાહન વ્યવહાર વિભાગના એસ.ટી. ડીવીજનના વર્કશોપ વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા રમેશ માલીવાડ ફરજમાં બેદરકારી રાખતા હોવાથી અધિકારી દ્વારા તેને તબક્કાવાર મેમો આપવામાં આવ્યા હતા,જેનો ખાર રાખીને આ કર્મચારી દ્વારા અધિકારીની વિરુદ્ધમાં ઓડિયો કલીપ વાઈરલ કરીને બદનામ કરવાનું કૃત્ય કર્યું હતું…
એસ.ટી.વર્કશોપ વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા રમેશ માલીવાડ સામે એસ,ટી.ડીવીઝનના વિભાગીય નાયબ નિયામક રાવલ દ્વારા ફરિયાદ અરજી કરવામાં આવી હતી…જેની પૉલિસ દ્વારા આ અરજીના કામે કાલાવડ નાકા બહાર આવેલ એસ.ટી. વિભાગના કવાર્ટરમાં રહેતા રમેશ માલીવાડના નિવેદન પૂછપરછ કરવા જતાં આ મહાશય પોતાના જ કવાર્ટર પાસે ચિક્કાર હાલતમાં દારૂ પીધેલ હાલતમાં લથડીયા ખાતા મળી આવ્યા હતા,
તપાસના કામે ગયેલ પોલીસ રમેશ માલીવાડ ને પીધેલ હાલતમાં ઉઠાવી લાવી કેસ કરીને લૉકઅપ હવાલે કર્યો છે,અને દારૂનો નશો ઉતર્યા બાદ અધિકારી વિરુદ્ધ ઓડિયો કલીપ વાઈરલ કરેલ હતી તે સહિતના મામલે પૂછપરછ હાથ ધરવામાં આવશે,
આમ ખુદ રાજ્યના વાહનવ્યહારમંત્રીના જિલ્લામાં જ એસ.ટી.વિભાગનો વધુ એક વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.