Mysamachar.in-મહિસાગર:
સામાન્ય રીતે એવાં સમાચારો પ્રગટ થતાં રહેતાં હોય છે કે, ફલાણી પોલીસે ચોરીના ફલાણાં કેસમાં તસ્કરોને ઝડપી લીધાં અથવા શોધી કાઢયા. પરંતુ એક પોલીસમથકમાં એવી FIR પણ નોંધાઈ છે કે, પોલીસમથકમાંથી પોલીસકર્મીઓ ફલાણી ચીજો ચોરી ગયા છે. આ ફરિયાદને કારણે સમગ્ર રાજયમાં ચકચાર મચી છે. આ ફરિયાદ કુલ 6 કર્મીઓ વિરુદ્ધ થઈ છે.
મહિસાગર જિલ્લામાં આ FIR નોંધાઈ છે. જેમાં જણાવાયું છે કે, જિલ્લાના એક પોલીસમથકમાંથી પંખાઓ અને દારૂના જથ્થાની ચોરી થઈ છે. મહિસાગરના બાકોર પોલીસમથકનો આ કિસ્સો જાહેર થતાં સમગ્ર જિલ્લામાં તરેહતરેહની ચર્ચાઓ ચાલી રહી છે. ખાનપુર પોલીસ સ્ટેશનના એક ASI, બે કોન્સ્ટેબલ તથા હોમગાર્ડ અને GRDના જવાનોએ ભેગાં મળીને ચોરીનો આ પ્લાન બનાવ્યો હતો.
પોલીસે અરવિંદ રાયજી ખાંટ, લલિત દાના પરમાર, ખાતું નાના ડામોર, સોમાં ધુલા પગી, રમણ મંગળ ડામોર, દીપક ખાના વણકર વિરૂદ્ધ ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ આરોપીઓ સામે આઇ.પી.સી.કલમ 457,380,120b,34 મુજબ ગુન્હો નોંધ્યો છે.
આ 6 ખાખીઓએ પોલીસમથકમાંથી 15 પંખા અને દારુનો જથ્થો મળી કુલ રૂ. 1.57 લાખની માલમતાની ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસમથકના 15 પંખાઓ ચોરાઈ ગયા- એ કેવડું અચરજ ?! પોલીસમથકમાંથી દારૂ આડોઅવળો થાય, એ જો કે હવે બહુ ગંભીર બાબત લેખાતી નથી !!