Mysamachar.in-ખેડા:
મોત માણસ સુધી અલગઅલગ રીતે પહોંચી જતું હોય છે. એક શિક્ષકે પોતે આપઘાત કરવા ઝેર મંગાવ્યું અને આ ઝેર ખાતરીબંધ છે કે કેમ, તે તપાસવા એક મૂકબધિર યુવાન પર ઝેરનો અખતરો કર્યો. આ મૂકબધિર યુવાને આ ઝેરવાળું પીણું અન્ય બે મિત્ર સાથે શેયર કરેલું. પરિણામ એ આવ્યું કે, આ મૂકબધિર અને તેના બે મિત્ર -ત્રણેય મોતની ઉંઘમાં પોઢી ગયા ! શિક્ષકની પરીક્ષામાં ઝેર પાસ થયું. ભરોસાપાત્ર સાબિત થયું. આ વિચિત્ર અને કરૂણ મામલો ખેડા જિલ્લાનો છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં થોડાં દિવસો અગાઉ 3 વ્યક્તિઓના એકસાથે મોત થયા હતાં. બાદમાં તપાસમાં બહાર આવ્યું કે, આ 3 ના મોત જીરા સોડા પીવાથી થયેલાં. તે અગાઉ આ પ્રકરણ લઠ્ઠાકાંડ તરીકે ચકચારી બનેલું. બાદમાં, આ જીરાસોડાકાંડની ઉંડી તપાસ થઈ. તપાસમાં બહાર આવ્યું કે, હરિકિશન મકવાણા નામના એક શિક્ષકે આપઘાત કરવા એમેઝોન પરથી સોડિયમ નાઇટ્રેટ નામનું ઝેર ખરીદ કરેલું. આ ઝેરથી મરી શકાશે કે કેમ- તે જાણવા કોઈ રીતે આ શિક્ષકે આ ઝેર એક મૂકબધિર યુવાનને આપ્યું. આ યુવાને 2 અન્ય મિત્ર સાથે આ પદાર્થ જીરાસોડામાં ભેળવી, પીધો. ત્રણેયના અમુક કલાકના અંતરે મોત થયા ત્યારે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગયેલી.

આ શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂછપરછમાં જ આ શિક્ષક બધું બોલી ગયો હતો. કહેવાય છે કે, આ શિક્ષક એક કોર્ટ કેસનો સામનો કરી રહ્યો હોય ઘણાં સમયથી આપઘાત કરી લેવા યોજના બનાવી રહ્યો હતો, તે દરમ્યાન આ કાંડ બની ગયો. પોલીસે આ મામલો ઉકેલવા અને ખરો આરોપી શોધી કાઢવા પોસ્ટમોર્ટમ, FSL રિપોર્ટ અને વિશેરા પરીક્ષણ રિપોર્ટ પર શરૂઆતથી જ બારીક નજર રાખી હતી. અને, ઘણાં સાક્ષીઓની ઉલટતપાસ પણ કરી હતી. આખરે આ કેસમાં પોલીસ હત્યારા સુધી પહોંચવામાં સફળ રહી. આ સમગ્ર મામલો નડિયાદ ટાઉન પોલીસ પાસે હતો.(file image)