Mysamachar.in-અમદાવાદ:
સેકસની બાબતમાં માત્ર સંમતિ જ મહત્વપૂર્ણ નથી, પોકસોના અમલ બાદ, સગીરા સાથેનું સંમતિથી સેક્સ પણ, રેપની વ્યાખ્યામાં આવે છે એમ જણાવી આવા એક કેસમાં વડી અદાલતે આરોપીના કાયમી જામીનને રદ્દ કરતો ચુકાદો આપ્યો છે અને પોકસોનું અર્થઘટન જાહેર કર્યું છે. ટૂંકમાં સગીર છોકરીની સંમતિ હોય તો પણ કોઈ પુરુષ તેણી સાથે શરીર સંબંધ બાંધી શકતો નથી, એમ વડી અદાલતે આ કેસમાં જણાવ્યું છે. અને જો આવો સંબંધ અદાલતમાં સાબિત થઈ જાય તો આ સંબંધ દુષ્કર્મની વ્યાખ્યામાં સમાવિષ્ટ થાય છે, એમ એક કેસમાં અદાલત કહે છે.
પોકસો હેઠળ નોંધાયેલી આ ફરિયાદમાં શરીર સંબંધ અંગેની સગીરાની સંમતિ મહત્વપૂર્ણ નથી, તેણી સગીરા છે એ ધ્યાન પર લઈ આ આરોપીને રેપ સંબંધિત જેલ થઇ શકે છે. અને આવા આરોપીના કાયમી જામીન પણ રદ્દ કરી શકાય છે, વડી અદાલતે આ કેસમાં આ ચુકાદો આપ્યો છે.
વડી અદાલતમાં જસ્ટિસ જે.સી.દોશીએ આ ચુકાદો આપ્યો છે. આ કેસમાં FIR મુજબ સગીરાની વય 14 વર્ષની છે. વડી અદાલતે આ કેસમાં કહ્યું કે, નીચલી અદાલતે FIR નું ખોટું અર્થઘટન કર્યું છે. અને વડી અદાલતે આ કેસમાં નીચલી અદાલતના ચુકાદા અંગે ભારે નારાજગી વ્યકત કરી, આરોપીને કાયમી જામીન આપતો નીચલી અદાલતનો ચુકાદો પલટાવી નાંખ્યો છે.
આ મામલો ભરૂચ-અંકલેશ્વરની સેશન્સ અદાલતના ચુકાદા બાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં ઉપરોકત ચુકાદો જાહેર થયો. આ કેસમાં આરોપી 31 વર્ષનો છે. અદાલતે ઠરાવ્યું કે, પોકસો કાયદાની પારા-2d મુજબ આ કેસમાં સગીરાની સંમતિ અર્થહીન છે. નીચલી કોર્ટનો આ આદેશ સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના અનેક ચુકાદાઓ દ્વારા પ્રસ્થાપિત સિદ્ધાંતનો પણ ભંગ કરે છે એમ પણ વડી અદાલતે કહ્યું. આ કેસમાં નીચલી અદાલતે આરોપીને જામીન આપ્યા બાદ સરકારી વકીલ અપીલમાં ગયા હતાં અને જામીન રદ્દ કરાવવા રજૂઆત કરી હતી, વડી અદાલતે નીચલી કોર્ટના આદેશને ભૂલભરેલો ગણાવી આરોપીના જામીન રદ્દ કરવાની સરકારની અપીલ માન્ય રાખી.