Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં PM સૂર્ય ઘર, મફત વીજળી યોજનામાં લાખો પરિવારો જોડાયા છે, નિર્ધારિત લક્ષ્યની સરખામણીમાં આ યોજનામાં 50 ટકા કરતાં વધુ સિદ્ધિ મળી છે. 5 લાખ રહેણાંક મકાનો પર રૂફટોપ સોલાર સ્થાપન થયું છે. આંકડો આમ મોટો છે, પરંતુ સબસિડીની યોજના છતાં વસતિની સરખામણીએ ઓછાં લોકો રસ લઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.
આ યોજનાને કારણે 1,879 મેગાવોટ સોલાર વીજળી ઉત્પાદન થયું. નાગરિકોને સબસિડીનો રૂ. 3,778 કરોડનો લાભ મળી શક્યો છે. માર્ચ, 2027 સુધીમાં 5 લાખ રૂફટોપ સોલાર ડબલ થઈ 10 લાખ થઈ જશે, એવો સરકારનો દાવો છે.
રાજ્યમાં મોટાં શહેરોના આંકડાઓ સ્વાભાવિક રીતે જ મોટા છે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢનું ચિત્ર સારૂં છે. અહીં 22,000 લોકોએ યોજનાનો લાભ લીધો. હાલારમાં 22-24 લાખની વસતિ સામે વીજતંત્રને માત્ર 20,940 અરજીઓ જ મળી છે. જામનગર જિલ્લામાં 15,697 પરિવારોએ અને દ્વારકા જિલ્લામાં તો માત્ર 2,510 પરિવારોએ જ આ યોજનામાં રસ લીધો. સબસિડી મળે છે પરંતુ કુલ કિંમત ખર્ચાળ હોવાથી ઓછાં લોકો રસ લ્યે છે. આ ઉપરાંત મેન્ટેનન્સની પ્રોસેસ પણ કડાકૂટભરી છે.


