Mysamachar.in-અમદાવાદ
છેલ્લા કેટલાય વર્ષોથી દેશમાં રહેતા લોકોને વિદેશમાં જવાનો અભરખો જાગ્યો છે, અને તેના માટે તમામ પોતાની રીતે મહેનત કરતા હોય છે, કેટલાક તેમાં સફળ તો કેટલાક નિષ્ફળ જતા હોય છે, અને વિદેશ જવાની ઈચ્છામાં કેટલાક છેતરપીંડી નો ભોગ પણ બનતા હોય છે, એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જે આંખ ઉઘાડનારો તો છે જ… વિઝા અને વર્ક પરમિટ બહાને 5 લાખ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં વિદેશ મોકલવા માટે રૂપિયા 15 લાખ નક્કી કરી 5 લાખ પડાવ્યા છે. જે સબબ ફરિયાદીની ફરિયાદ પરથી આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બંટી બબલીએ ભેગા મળીને એક યુવકને IELTS આપ્યા વગર વિદેશ મોકલી વર્ક પરમીટ અને પીઆર અપાવાવની લાલચ આપી 5 લાખ પડાવી લીધા હતા,
પરંતુ યુવકને કઈક ખોટું થઇ રહ્યાનું લાગ્યું અને તે સજાગ થઈ ગયો અને તે આ આખી ગેમને સમજી ગયો હતો અને તાત્કાલિક પ્રોસેસ રોકાવતા 10 લાખ રૂપિયા બચાવવા માં સફળ રહ્યો શહેરના સેટેલાઈટમાં રહેતા ચંદ્રિકા બહેન તેમના પુત્ર દર્શીત સાથે રહે છે અને મોટો પુત્ર અપૂર્વ અનેક વર્ષોથી કેનેડા ખાતે રહે છે. દર્શીતભાઈ સમાજની એક મિટિંગમાં ગયા હતા. ત્યાં તેમનો ભેટો પૂજા નામની યુવતી સાથે થયો હતો. પૂજાએ દર્શીતભાઈને જણાવ્યું હતું કે તેઓ તેમના ભાગીદાર ધીરેન સાથે મળીને આનંદનગર રોડ ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવી લોકોને કેનેડા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ મોકલે છે. દર્શીતભાઈનો ભાઈ અપૂર્વ પણ વિદેશ હોવાથી તેઓએ થોડી વાતચીત શરૂ કરી હતી.
તેમણે જણાવ્યું કે, તેઓને બહુ અંગ્રેજી આવડતું નથી તો IELTS વગર વિદેશ જઈને પીઆર અને વર્ક પરમીટ મેળવી શકશે? જેથી આ પૂજાએ તેમને હા પાડી તેનો 15 લાખ ખર્ચ બતાવ્યો હતો.પાંચ લાખનો પહેલો હપ્તો બાદમાં વર્ક પરમીટ આવે ત્યારે પાંચ લાખ અને બાદમાં ટિકિટ વિઝા આવે એટલે પાંચ લાખ એમ વાત કરી હતી. બાદમાં આ મિટિંગો પણ પુજાની ઓફિસે થતી રહેતી હતી. બાદમાં એક દિવસ પૂજા દર્શીતભાઈના ઘરે પેમેન્ટ લેવા ગઈ હતી. ત્યાં પેમેન્ટ મળ્યા બાદ દર્શીત ભાઈ તેમની ફાઇલનું સતત અપડેટ લેતા હતા. પણ તેમને કોઈ યોગ્ય જવાબ ના મળતા અંતે પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.