Mysamachar.in-ગાંધીનગર:
પાસપોર્ટ ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે અને પોલીસ વિભાગ કેટલાક કિસ્સાઓમાં પાસપોર્ટ મેળવવા ઈચ્છતા લોકોને ખૂબ જ કનડગત કરે છે અને તેમાં ઘણાં કિસ્સાઓમાં લેતીદેતી પણ ચર્ચાતી હોય છે, આ પ્રકારની બાબતો સરકારના ધ્યાન પર આવતાં રાજયના પોલીસ મહાનિર્દેશક( કાયદો અને વ્યવસ્થા) દ્વારા સમગ્ર રાજયની પોલીસને આ સંબંધે કેટલીક કડક સૂચનાઓ આપવામાં આવી છે.
પોલીસ મહાનિર્દેશક સમશેરસિંઘની સહીથી પ્રગટ કરવામાં આવેલા આ સૂચનાપત્રમાં જણાવાયું છે કે, પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા સારુ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની જરૂરિયાત રહેતી નથી. પોલીસે અરજદારની માત્ર નાગરિકતા ચકાસવાની હોય છે અને જો અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય, તો તેની ચકાસણી કરવાની હોય છે.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, પોલીસે પાસપોર્ટ અરજદારના સરનામાની પણ ચકાસણી કરવાની રહેતી નથી. પોલીસે અરજદારને રૂબરૂ મળવાની જરૂરિયાત નથી અને પોલીસે અરજદારની સહી લેવાની પણ જરૂરિયાત રહેતી નથી.
જો કે પત્રના અંતમાં એમ જણાવાયું છે કે, જે કિસ્સામાં પોલીસને એવી જરૂરિયાત જણાય કે, પાસપોર્ટ અરજદારની વધુ ખરાઈ કરવાની આવશ્યકતા છે તેવા કિસ્સામાં જ પોલીસે અરજદારના રહેણાંકની મુલાકાત કરવી જોઈએ. (આવી જરૂરિયાત કયા કિસ્સામાં ઉભી થાય, એ અંગે આ પત્રમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોય, પોલીસ આ છેલ્લી સૂચનાનું મનઘડંત અર્થઘટન કરશે, તો ?!)