Mysamachar.in-અમદાવાદ:
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો અને આ માટે વિસ્તૃત પરિપત્ર જાહેર કર્યો. જે અનુસાર હવે 10 વર્ષથી વધુ વયના છોકરાઓ તથા છોકરીઓ સ્વતંત્ર રીતે પોતાના બેંક એકાઉન્ટ ઓપરેટ કરી શકશે. RBIએ તમામ કોમર્શિયલ બેંક તથા સહકારી બેંકોને આ સૂચનાઓ આપી. બેંકો આ સગીરોના બચત ખાતાં તથા મુદ્દત થાપણ(FD)ખાતાં ખોલી શકશે. બેંકોમાં વધુ ખાતાં ખૂલશે અને બચતોને પ્રોત્સાહિત કરી શકાશે, એમ રિઝર્વ બેંકનું માનવું છે.
સગીરોના કુદરતી/કાનૂની વાલીઓ હસ્તક આ એકાઉન્ટ ખૂલી શકશે. માત્ર માતાને વાલી તરીકે રાખીને પણ આ એકાઉન્ટ ખોલાવી શકાશે. આ પ્રકારના એકાઉન્ટ માટે રકમ નિયત કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય કેટલીક શરતો પણ રહેશે. બાદમાં આ સગીરો પુખ્ત થાય ત્યારે નવેસરથી સહી વગેરેની પ્રક્રિયાઓ બેંક સાથે કરશે. આ સગીર એકાઉન્ટધારકોને ઈન્ટરનેટ બેંકિંગ અને ATM સહિતની સુવિધાઓ શરતોને આધીન રહી આપવામાં આવશે. વાલીઓ આ બેંકખાતાં ઓપરેટ કરી શકશે નહીં, અને આ એકાઉન્ટમાં કાયમ પૈસા જમા રહેવા જોઈએ એવી પણ શરત છે. જૂલાઈ-2025 સુધીમાં દરેક બેંકોએ આ માટે નવેસરથી નીતિઓ ઘડવાની રહેશે.
