Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
કુદરતી ખનીજ સંપદાથી સમૃદ્ધ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્રની મીઠી નજર હેઠળ બેફામ ખનીજચોરી થઈ રહી છે, ખાસ કરીને કિંમતી બોકસાઈટ ખનીજની ચોરીમાં તો મસમોટા માથાઓના હાથ કાળા થયા છે, તે બાબત સર્વવિદિત છે, ત્યારે આ મામલે ખંભાળિયા મત વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવી છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં કેટલી ખનીજચોરી થઈ છે અને કેટલો દંડ વસૂલ થયો છે તે અંગેના આંકડા માંગતા તંત્રની પોલ છતી થઈ છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ખનીજ માફિયાઓ પાસેથી સરકાર 5309.64 જેટલી માતબર રકમ દંડરૂપે વસૂલ કરી ન શકી હોવાનું સરકારે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે
પ્રાપ્ત વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ખનીજચોરીના કેટલા બનાવો નોંધાયા છે, કેટલા બનાવમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને કેટલો દંડ ફટકારી, કેટલી રકમ વસૂલ કરવામાં આવી છે તે અંગે ખંભાળિયા મતવિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવતા ખાણ ખનીજ વિભાગના મંત્રીએ ચોંકાવનારા આ આંકડા રજૂ કરી ખાણ ખનીજ વિભાગના બાબુઓ કરોડો રૂપિયાની ખનીજચોરીના દંડની રકમ વસૂલવામાં નિષ્ફળ નિવડયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.સરકારે વિધાનસભામાં જવાબ આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ અને દ્વારકામાં ખનીજચોરીના કુલ 264 કિસ્સા ઝડપી લીધા છે જેમાં ખંભાળિયામાં 90, કલ્યાણપુરમાં92, ભાણવડમાં ર6 અને દ્વારકામાં 38 કિસ્સા નોંધાયા છે જે પૈકી ખંભાળિયામાં ર, કલ્યાણપુરમાં 7, ભાણવડમાં 9 અને દ્વારકામાં 3 સહિત કુલ 21 કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે,
સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકામાંથી ઝડપાયેલી ખનીજચોરી પ્રકરણમાં વર્ષ 2018માં 661.44 લાખ, વર્ષ 2019માં 4648.20 લાખ મળી કુલ 5309.64 લાખની રકમ વસૂલવાની બાકી છે. જેની સામે ખંભાળિયામાં 117.57, કલ્યાણપુરમાં 116.76 અને ભાણવડમાં 22.29 લાખની વસૂલાત થઈ છે. જ્યારે દ્વારકા તાલુકામાં ખનીજચોરો પાસેથી કોઈ જ રકમ વસૂલવાની બાકી નથી અને એકલા કલ્યાણપુરમાં 4432.10 લાખની ખનીજચોરીના દંડની વસૂલાત બાકી હોવાનું સરકારે સત્તાવાર રીતે જણાવ્યું હતું