Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં દિનપ્રતિદિન વધી રહેલા સાયબર ક્રાઈમન કિસ્સાઓ સરકાર માટે પડકાર છે ખુદ સરકાર અને અધિકારીઓ આ બાબતને કબુલ કરે છે કે સાયબર ક્રાઈમ દિવસે ને દિવસે પડકાર બની રહ્યો છે ત્યારે સાયબર માફિયાઓનો જડમૂળ સુધી જવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ આરંભી દીધી છે.
સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંતર્ગત ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના નાગરિકોને સાયબર સિક્યોર રાખવા અને વિવિધ સાયબર ગુનાઓના ડિટેલ એનાલિસિસ આધારે બેંકથી લઈ પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચેકીંગ/ વેરિફિકેશન ડ્રાઇવ યોજી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે આ બેઠકનું આયોજન કરાયું હતું.
“ઓપરેશન મ્યૂલ હન્ટ” અંતર્ગત ઇન્ટર કો-ઓર્ડિનેશન વધુ મજબૂત કરવા વિડિઓ કોન્ફરન્સ મારફતે યોજાયેલી આ બેઠકમાં સીઆઈડી ક્રાઈમ ડીજીપી, પોલીસ કમિશનરઓ, તમામ રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડાઓ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રીએ “ઓપરેશન મ્યૂલ હન્ટ” ડ્રાઇવ અંતર્ગત સાયબર ક્રાઈમ પ્રિવેન્શન અને ડિટેક્શનને વધુ વેગ આપવા અને તમામ એકમો વચ્ચેનું સંકલન મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
બેઠકમાં થયેલ ચર્ચાઓ અનુસાર સાયબર ગુનેગારોને પકડવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવે. આ ડ્રાઇવનો હેતુ માત્ર નાણાં ટ્રાન્સફર કરનાર બેંકના મ્યૂલ એકાઉન્ટ ઓપરેટર સુધી જ નહીં, પરંતુ આ સમગ્ર નેટવર્કના “આકાઓ” સુધી પહોંચવાનો છે. આ ડ્રાઇવમાં રાજ્યના તમામ યુનિટ્સ અને તમામ પોલીસ સ્ટેશનોએ સક્રિયપણે જોડાવા આદેશ કરવામાં આવ્યો છે.
આ બેઠક દરમિયાન એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે પોલીસ કાર્યવાહીમાં કોઈ નિર્દોષ નાગરિકને બિનજરૂરી હેરાનગતિ ન થાય. જે ખાતાધારકનું સાઇબર ક્રાઇમમાં કોઈ કનેક્શન ન હોય, માત્ર ખાતામાં પૈસા આવ્યા હોય, તેમનું યોગ્ય વેરિફિકેશન કરવામાં આવે. નિર્દોષ નાગરિકો સાથે બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા આદેશ આપવામાં આવ્યા છે.


