Mysamachar.in-અમદાવાદ:
નેતાઓ અને રાજકીય પક્ષો મહિલા ઉધ્ધાર અને મહિલાઓના સશક્તિકરણની ઘણી વાતો કરતાં હોય છે. ઘણાં કાર્યક્રમ પણ થતાં હોય છે. મહિલાઓના સંમેલનો પણ યોજવામાં આવતાં હોય છે અને જાહેરમાં એમ પણ કહેવાતું હોય છે કે, જાહેર જીવનમાં- રાજકારણમાં મહિલાઓને યોગ્ય અને પૂરતું પ્રતિનિધિત્વ આપવા અમો કટિબદ્ધ છીએ. પરંતુ આ બધી માત્ર વાતો છે. વારતાઓ છે. ચૂંટણીઓની ટિકિટ આપવાની વાત આવે ત્યારે મોટાભાગની ટિકિટ પુરૂષોને જ આપી દેવામાં આવે છે અને મહિલાઓને એમના હકકથી વંચિત રાખવામાં આવે છે.
ગુજરાતની હાલની લોકસભા ચૂંટણીઓની જ વાત કરીએ તો, દરેક લોકસભા મત વિસ્તારમાં સામાન્ય રીતે પુરુષો જેટલાં જ મહિલા મતદારો હોય છે, તેઓના મતો રાજકીય પક્ષોને જોઈતાં હોય છે, પરંતુ મહિલાઓને ટિકિટ આપવાની વાત આવે ત્યારે પક્ષો કંજૂસાઈ કરે છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, બંને મુખ્ય પક્ષના કુલ 52 ઉમેદવાર પૈકી મહિલાઓને કુલ માત્ર 8 ટિકિટ આપવામાં આવી છે. રાજકીય પક્ષો મહિલાઓને 33 ટકા અનામત અને 50 ટકા અનામતની વાતો કરતાં હોય છે પરંતુ આ બંને પક્ષોએ કુલ માત્ર 15 ટકા મહિલાઓને અને 85 ટકા પુરૂષોને ચૂંટણીઓના મેદાનમાં ઉતાર્યા છે.