Mysamachar.in- ગીર સોમનાથ:
અમિત શાહ ભારત સરકારમાં અને ભારતીય જનતા પાર્ટીમાં નંબર બે નું અતિ વજનદાર સ્થાન ધરાવે છે, તેઓનો એક એક શબ્દ કિંમતી હોય છે અને આથી તેઓના શબ્દોને દેશભરમાં સમાચારનું સ્વરૂપ પ્રાપ્ત થતું રહે છે. તેઓની પ્રત્યેક રાજકીય ચાલ ચાણક્યનીતિ તરીકે જોવામાં આવી રહી છે, આ સ્થિતિમાં તેઓએ હાલમાં ગુજરાતમાં, ગીર સોમનાથ જિલ્લામાં આપેલું નિવેદન સમાચારોમાં મોખરાનું સ્થાન મેળવી ચૂકયું છે. સરકારો અંગેનું તથા નાગરિકોની તાકાત અંગેનું તેઓનું આ નિવેદન ખૂબ જ વાયરલ થયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ આ પ્રસંગે જણાવ્યું, દેશને વિકસિત અને આત્મનિર્ભર માત્ર નાગરિકો જ બનાવી શકે. રાજયની કે કેન્દ્રની સરકારો આ કામ ન કરી શકે. તેઓ શુક્રવારે વેરાવળ નજીકના ચંદુવાવ ગામમાં સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં આમ બોલ્યા હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ સંકલ્પ યાત્રા વડાપ્રધાને લોન્ચ કરી છે. દેશભરમાં સરકારી યોજનાના લાભો જરૂરિયાતમંદ લોકો સુધી હાથોહાથ પહોંચાડવા અને રાજ્ય તથા કેન્દ્રની સરકારી યોજનાઓ અંગે લોકોને જાગૃત કરવા માટે આ યાત્રા સરકારી અધિકારીઓ અને શાસકપક્ષ દ્વારા આયોજિત કરવામાં આવે છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આવતાં વર્ષે લોકસભા ચૂંટણીઓ આવી રહી હોય, શાસકપક્ષ દ્વારા આ યાત્રાને અતિ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. એવા સમયે અમિત શાહના આ નિવેદનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
અમિત શાહે ત્યાં સુધી કહ્યું કે, રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની, તેઓ ભારતને વિકસિત ન બનાવી શકે, દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાનું કામ માત્ર નાગરિકો જ કરી શકે. તેઓએ સ્થાનિક અધિકારીઓને જણાવ્યું કે, એક પણ વ્યક્તિ સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે જોવાની જવાબદારીઓ તંત્રની છે. શિક્ષણ, ઉત્પાદન, ઘરનું ઘર, પાંચ કિલો મફત અનાજ, માળખાકીય સુવિધાઓ વગેરે વિષયો તથા નાના ખેડૂતોને સરકાર કેવી રીતે મદદ પહોંચાડી રહી છે, વગેરે બાબતો અંગે તેઓએ વિસ્તૃત પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.