Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા સાથે સંકળાયેલા સેંકડો સફાઈ કામદારોના ઘણાં બધાં પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા ન હોય, વધુ એક વખત લેખિત રજૂઆત થઈ છે. થોડાં થોડાં સમયે આવેદન, ધરણાં અને સૂત્રોચ્ચાર તથા ઉપવાસ સહિતના આંદોલન થતાં રહે છે અને થોડાં થોડાં સમયે આગેવાનો દ્વારા આંદોલનકારીઓને ઉપવાસના પારણાં પણ કરાવવામાં આવતાં હોય છે, વધુ એક વખત સેટઅપ સહિતના વિવિધ મુદ્દાઓ પર રજૂઆત શરૂ થઈ છે.
આજે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયનના નેજા હેઠળ, યુનિયનના પ્રદેશ ઉપાધ્યક્ષના માર્ગદર્શન મુજબ, સ્થાનિક પ્રમુખ મહેશ બાબરિયા તથા અમિત પરમારની આગેવાનીમાં વધુ એક વખત કોર્પોરેશન સત્તાવાળાઓને લેખિત અને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે, જેમાં સફાઈ કામદારો સંબંધિત વિવિધ એક ડઝન મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ આવેદનમાં જણાવાયું છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા બીટ માપણી મુજબ સફાઈ કામદારોની સંખ્યા વધારવામાં આવતી નથી. કાયમી સફાઈ કામદારોના સેટઅપમાં વધારો કરવામાં આવતો નથી. સફાઈ કામદારો પાસે જે વેઠ કરાવવામાં આવે છે તે પ્રથા બંધ કરવી જોઈએ. નિયત બીટમાં જ કામ કરાવવું જોઈએ. મેડિકલ અનફીટના કિસ્સાઓમાં આશ્રિત વારસદારોને કામ આપવાની બાબતમાં જે વિસંગતતાઓ છે, તે દૂર કરવી જોઈએ.
મૃત સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવામાં પણ મહાનગરપાલિકા દ્વારા વાંધાઓ કાઢવામાં આવે છે, તે બંધ થવું જોઈએ. આ ઉપરાંત કાયમી સફાઈ કામદારોને મુકાદમ તરીકે નિમણૂંક, જૂની પેન્શન સ્કીમ, રોજમદાર સફાઈ કામદારોને કાયમી તરીકે નિમણૂંક આપવી, ઋતુ અનુસાર ગરમ કપડાં, રેઈનકોટ આપવા, ખાનગી સોસાયટીમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી વેઈટીંગ યાદીના રોજમદારોને કામ આપવું, તમામ વોર્ડ ઓફિસમાં રિનોવેશન, સીસીટીવી કેમેરા લગાવવા તથા સફાઈ કામદારો માટે પિવાના પાણીની વ્યવસ્થા, અવેજી સફાઈ કામદારો તથા તેમના આશ્રિતોને મેડિકલ સહિતના લાભો આપવા સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ આવેદન કમિશનરને આપવામાં આવ્યું છે.