Mysamachar.in-ગીર સોમનાથ:
ધોરીમાર્ગો પર, ખાસ કરીને કારચાલકો મોટાભાગના કિસ્સાઓમાં વાહન એવી રીતે ચલાવતા હોય છે કે, ગમે ત્યારે આ ચાલકો પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દે છે અને ગોઝારા અકસ્માત સર્જાતા રહે છે જેમાં કારચાલક ઉપરાંત અન્ય નિર્દોષ લોકો પણ મોતને ભેટે છે. આ જ રીતે ટ્રાવેલ્સની બસોના ચાલકો પણ અનેક કિસ્સાઓમાં બેદરકાર અને રેઢિયાળ સાબિત થઈ રહ્યા છે. અકસ્માતો ઘટાડવા આવા ચાલકોને ‘સીધાદોર’ કરવા પડશે.
આજે સવારમાં અહેવાલ મળે છે કે, વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ગીર સોમનાથ જિલ્લામાં બન્યો છે. જેમાં 3 યુવાનોના મોત થયા છે. અને એક યુવાનની સ્થિતિ ગંભીર છે. આ ચાર યુવાનો એક કારમાં કોડીનાર-ઉના ધોરીમાર્ગ પર જઈ રહ્યા હતાં ત્યારે તેમની કાર ડિવાઇડર કૂદાવી સામેના રોડ પર ફેંકાઈ ગઈ હતી, એ જ સમયે સામેથી આવતા તોતિંગ ટ્રક સાથે આ કારની ભયાનક ટક્કર સર્જાતા કારમાં સવાર 3 યુવાનો મોતને ભેટયા હતાં અને ચોથો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાકીદની સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.