mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર જીલ્લાના લાલપુરના વાવડી ગામે કપાસનો પાક નિષ્ફળ જતાં આપઘાત કરી લીધાના બનાવને ગણતરીના કલાકો જ થયા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખેડૂતે ૫૦ વીઘામાં પાકનું વાવેતર કર્યા બાદ વરસાદ ન પડતાં સતત ટેન્શનમાં રહીને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે,જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે,
મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ધ્રાસણવેલ ગામે રહેતા સોમાભાઇ બુધાભાઈ રોશીયાની વારસાઈમાં મળેલ ૧૫ વીઘા જમીન આવેલ છે,ઉપરાંત તેઓ અન્ય ત્રણ ભાઇઓની ૩૫ વીઘા જમીન મળીને કુલ ૫૦ વીઘા જમીનમાં આ વર્ષે મગફળી તથા તલનું વાવેતર કર્યું હતું,તેવામાં ગઇકાલે ટેન્શનમાં આવીને ઝેરી દવા પી ને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં દ્વારકાની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક મેળવ્યા બાદ હાલત ગંભીર જણાઈ આવતા વધુ સારવાર માટે ખંભાળિયાની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે,
આ મામલે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ધ્રાસણવેલ ગામે રહેતા અને ભોગ બનનાર સોમાભાઇ બુધાભાઈ રોશીયાના મોટા ભાઈ વેજાભાઈએ my samachar.in સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યુ હતું કે,સોમાભાઇ મારા સૌથી નાના ભાઈ છે અને તેમના ભાગે 15 વીઘા વાડી આવેલ છે અને અમારા ત્રણેય ભાઇઓની 35 વીઘા જેવી જમીન ભાગમાં વાવેતર કરે છે આ વર્ષે આ જમીનમાં 40 વિઘામાં મગફળી અને 10 વીઘામાં તલનું વાવેતર કર્યું હતું,
આ વર્ષે અપૂરતો વરસાદ પડવાના કારણે સોમાભાઈ ટેન્શનમાં રહેતા હતા અને અમને જણાવતા હતા કે એક બાજુ વરસાદ નથી અને પાક ધિરાણ મેળવેલ છે,બોજો ભરવા માટે ટેન્શનમાં રહેતા હતા અને અમે તેમણે દિલાસો પણ આપતા હતા ત્યારે વરસાદ ખેચાતા પાક નિષ્ફળ જવાના ભય વચ્ચે મારા નાના ભાઈએ આ આત્મઘાતી પગલું ભર્યું છે તેવી વેજાભાઈએ આશંકા દર્શાવી છે,
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે અપૂરતો વરસાદ પડતાં સરકાર દ્વારા દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે,ત્યારે દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામના દલિત ખેડૂતના આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે જે બનાવ અનુસંધાને તેના ભાઈએ પાકની ચિંતામાં આ પગલું ભર્યાનું જણાવે છે પણ આપઘાતના પ્રયાસના આ મામલામાં ખરેખર પાક નિષ્ફળ જવાનો ભય કે પછી અન્ય કોઈ કારણોસર ખેડૂતે આ પગલું ભર્યું છે તે બાબત પોલીસ અને લગત તંત્રની તટસ્થ તપાસ બાદ જ સામે આવશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.