Mysamachar.in-આણંદ:
આણંદ સહિત સમગ્ર રાજયમાં ચકચાર મચી છે. આણંદના નાણાંકીય ઠગાઈના એક કેસમાં આરોપી પાસેથી છેતરપિંડીની રૂ. એક કરોડની રકમ અને 100 તોલાં સોનું પોલીસે કબજે લઈ લીધું છે, પરંતુ આ મુદ્દામાલ હજુ સુધી સરકારમાં જમા કરવામાં આવ્યો નથી, એવી તકરાર લઈને બે મહિલાઓ વડી અદાલતમાં પહોંચી, અદાલતે રાજ્યના પોલીસવડા અને આણંદના પોલીસવડાને નોટિસ મોકલી હોવાનું જાહેર થયું છે, આ કારણથી સમગ્ર રાજયમાં ચકચાર મચી.
બે મહિલાઓ રોહિણી પટેલ અને લતા મકવાણાએ પોતાના વકીલ યતિન સોની મારફત હાઈકોર્ટમાં આ રજૂઆત દાખલ કરી છે. રજૂઆતમાં એમ કહેવાયું છે કે, આ મામલામાં પોલીસ જ પોલીસને રક્ષણ આપી રહી છે અને પોલીસ વિરુદ્ધની આ FIR પોલીસ નોંધતી નથી. આ મામલાની વધુ સુનાવણી 5મી ફેબ્રુઆરીએ થશે.
આ મામલો નાણાંકીય સ્કીમનો છે. સ્કીમનું નામ હતું- એક કા તીન. વર્ષો અગાઉ આ મહિલાઓએ સ્કીમને નાણાંકીય ઠગાઈ લેખાવી હતી અને જે-તે સમયે આરોપીઓ તરીકે મીના પટેલ, સુરેશ પટેલ અને ધવલ પટેલના નામો જાહેર કરવામાં આવ્યા હતાં. રોહિણી નામના મહિલાએ આ સ્કીમમાં 40 લાખ અને લતા નામના મહિલાએ 12 લાખ ગુમાવેલા છે.
એમ જાહેર થયું છે કે, પોલીસે આ મામલાની તપાસ દરમિયાન મુંબઈથી જે તે સમયે રોકડ રકમ અને ગોલ્ડ કબજે લીધું હતું. પરંતુ આ મુદ્દામાલ ચાર્જશીટમાં દર્શાવવામાં આવ્યો નથી. આ મામલામાં યોગ્ય રીતે તપાસ થતી નથી એવી ફરિયાદ આ મહિલાઓએ રાજ્યના પોલીસ વડા સમક્ષ જેતે સમયે કરેલી અને ત્યારબાદ આણંદ LCBને આ કેસ સોંપાયો હતો.
સાક્ષીઓની જુબાની છતાં, લોકલ ક્રાઈમ બ્રાન્ચના ક્લોઝર રિપોર્ટમાં આખું સત્ય બહાર આવ્યું નથી અને પોલીસ અધિકારીને છાવરવામાં આવ્યા છે, એવો પણ આરોપ છે. આ ફરિયાદીએ મુંબઈ ખાતેના સાક્ષીની મુલાકાત લીધી હતી અને પોલીસ રેકોર્ડ સહિતની કેટલીક વિગતો પણ એકત્ર કરી છે. તે દરમિયાન આ ફરિયાદીઓએ DGP સમક્ષ રજૂઆત પણ કરેલી અને એક વખત અગાઉ પણ આ મામલો હાઈકોર્ટમાં પહોંચી ગયો હતો, અદાલતે તપાસનો આદેશ આપ્યો હતો. બાદમાં, પૂરતાં પુરાવાઓ નથી, એમ લખી પોલીસે કેસ બંધ પણ કરી દીધો હતો.
ત્યારબાદ હવે ફરીથી આ મહિલાઓ હાઈકોર્ટ પહોંચી છે. મહિલાઓ કહે છે, સાક્ષીઓને તપાસવામાં આવે અને કસૂરવાર પોલીસ અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે. કારણ કે, અમો આ મામલામાં સારી રીતે ન્યાય મળે એવું ઈચ્છીએ છીએ. હાઈકોર્ટે DGP તથા આણંદ પોલીસ વડાને નોટિસ મોકલતાં આ મામલો ફરીથી ગરમ બન્યો છે.