Mysamachar.in-પોરબંદર:
ભારતીય કોસ્ટગાર્ડ અને ATS દ્વારા એક સંયુકત ઓપરેશન દરમ્યાન, ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદના દરિયામાંથી આશરે 1,800 કરોડની કિંમતનો 300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને કબજે કરાયેલો આ જથ્થો પોરબંદર લાવવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
કોસ્ટગાર્ડ દ્વારા આજે સવારે આ સમાચારને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં ઝડપાયેલી બોટમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું છે. ગુપ્ત બાતમીના આધારે કોસ્ટગાર્ડે પોતાના વિમાનો અને જહાજોની ટૂકડીને એલર્ટ આપી આ ઓપરેશન પાર પાડ્યું હતું અને ઝડપાયેલું ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું જાહેર થયું છે. જાહેર થયેલી વિગત અનુસાર, રવિવારે મોડી રાત્રે આ કાર્યવાહીઓ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, હમણાં કેટલાંક સમયથી દરિયામાં આ પ્રકારની પ્રવૃત્તિઓના કોઈ સમાચાર ન હતાં, તે દરમ્યાન ફરી એક વખત ડ્રગ્સ ઝડપાઈ જવાની ખબર આવી છે. જો કે ઉલ્લેખનિય બાબત એ છે કે, આ ઓપરેશન દરમ્યાન ડ્રગ્સ સાથે રહેલા દાણચોરો ભાગી જવામાં સફળ રહ્યા !