Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ચારધામો પૈકીનું એક ધામ એટલે જગતમંદિર દ્વારકા…આ મંદિર સાથે હજારો લાખો નહિ પરંતુ કરોડો ભાવિકોની આસ્થા જોડાયેલી છે, જે બાબત સર્વવિદિત છે, એવામાં વર્ષમાં અહી ઉજવાતા બે તહેવારો જન્માષ્ટમી અને ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ છે, અને આ બંને ઉત્સવમાં ભાગ લેવા ક્યાય ક્યાય થી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, એવામાં હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ખાતે ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવની ભાવિકોની ગેર હાજરીમાં ઉજવણી કરવામાં આવશે. કોરોના સંક્રમણને લઈને જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ચાર દિવસ સુધી મંદિર બંધ રહેવાની જાહેરાત કરવામાં આવતા કેટલાય શ્રદ્ધાળુઓ માટે આ સમાચાર આંચકારૂપ છે.
ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મોત્સવની દર વર્ષે રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કોરોના સંક્રમણને લઈને મંદિર ખૂલું રહેશે કે બંધ રહેશે એ ભાવિકોમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે દ્વારકા કલેકટર દ્વારા સતાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે અને આગામી તા. ૧૦/૮ થી ૧૩/૮/૨૦૨૦ સુધીના ચાર દિવસના ગાળા દરમિયાન મંદિરને ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ફરજ પરના સરકારી કર્મચારીઓ અને પુજારીઓને છૂટ આપવામાં આવી છે. આ જાહેરનામાંને લઈને ઈતિહાસમાં પ્રથમ વખત દ્વારકાધીશનો જન્મોત્સવ ભાવિકોની ગેરહાજરીમાં ઉજવવામાં આવશે.પરંતુ કોરોનાનું વધતું સંક્રમણ અને ભાવિકોની સલામતીને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાહેરનામાંમાં દર્શાવવામાં આવ્યું છે.