Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત કંપની RSPL (ઘડી ડીટરજન્ટ)ના પ્રદૂષણનો મામલો ઘણાં સમયથી રાજ્યની વડી અદાલતમાં ચાલી રહ્યો છે. આ સુનાવણી દરમિયાન કાલે ગુરૂવારે અદાલતે વધુ એક વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આકરી ઝાટકણી કાઢી અને હવે આ મામલામાં જિલ્લા વહીવટીતંત્રની એન્ટ્રી થશે. કાલે સુનાવણી દરમિયાન એ બહાર આવ્યું કે, કંપનીના પ્રદૂષણને કારણે ખેતીની જે જમીનને નુકસાન થયું છે, તે જમીનની સુધારણા કરવામાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વિલંબ કરી રહ્યું છે. આથી અદાલતે બોર્ડની ઝાટકણી કાઢી હતી.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા થઈ રહેલાં આ વિલંબને અસહ્ય લેખાવી ચીફ જસ્ટિસની ખંડપીઠે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ એક સમિતિની રચના કરવાનો હુકમ કર્યો અને જણાવ્યું કે, ખેતીની આ જમીન પર ફરીથી ખેતી થઈ શકે તે માટે એટલે કે જમીનની સુધારણા માટે કેવા પ્રકારના પગલાંઓ ભરી શકાય તે અંગેની તપાસ હવે આ સમિતિએ કરવાની રહેશે. અને, પ્રદૂષિત જમીનના કારણે આ ખેડૂતને અત્યાર સુધીમાં કેટલું નુકસાન થયું તેનું એસેસમેન્ટ પણ આ સમિતિએ કરવાનું રહેશે.
આ ઉપરાંત વડી અદાલતે કહ્યું: ખેડૂતને જે આર્થિક નુકસાન થયું છે તે ઉપરાંત તેને જે માનસિક આઘાત લાગ્યો તેનું પણ વળતર આપવાનું રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાં સમય અગાઉ આ કેસમાં ખેડૂતને વળતર આપવા વડી અદાલતે આદેશ કર્યો હતો. એ આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકાર આપવામાં આવેલો. સુપ્રિમ કોર્ટે વડી અદાલતના આદેશ પર તે સમયે મનાઈહુકમ ફરમાવી દીધો હતો. ટૂંકમાં, પ્રદૂષણને કારણે ખેતીની જમીનને થયેલાં નુકસાનની તપાસ હવે કલેક્ટર તંત્ર હસ્તક થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલો લાંબા સમયથી અદાલતોમાં ફરી રહ્યો છે.(file image source:google)